બ્રિટનના જાણીતા ભારતીય ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલે ઝૂલોજિકલ સોસાયટી ઑફ લંડન (ZSL) લંડન ઝૂ ખાતે તેમની સ્વર્ગસ્થ પત્ની લેડી અરુણા પૉલના માનમાં એક નવા સ્મારકનું રવિવાર તા. 2ના રોજ અનાવરણ કર્યું હતું અને પત્નીની યાદમાં બંધાનાર નવી ઇમારત માટે યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પટનને £1 મિલિયન દાનની જાહેરાત કરી હતી.

લોર્ડ પૉલ લંડન ઝૂને વર્ષોથી ટેકો આપે છે અને તેમની સ્વર્ગસ્થ પુત્રી અંબિકા પોલની યાદમાં બનાવેલા ફાઉન્ટેઇનના પણ સાચવણી કરે છે. 86 વર્ષીય લેડી પોલનું ગયા વર્ષે મે મહિનામાં લંડનમાં તેમના ઘરે શાંતિપૂર્ણ રીતે નિધન થયું હતું.

પુત્ર આકાશ અને પુત્રવધૂ નિશા પૉલ, હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલ અને હાઉસ ઓફ લોર્ડ્સના સાથીદારોની ઉપસ્થિતીમાં લોર્ડ પૉલે લંડન ઝૂની અમૂલ્ય યાદો વિશે કહ્યું હતું કે “અરુણાના જીવન અને સિદ્ધિઓની ઉજવણીના ભાગરૂપે, મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પટન તેમની સ્કૂલ ઓફ આર્કિટેક્ચર એન્ડ બિલ્ટ એન્વાયર્નમેન્ટનું નામ લેડી અરુણા સ્વરાજ પોલ બિલ્ડીંગ કરશે.”

આ યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે 25 વર્ષ માટે સેવા આપનાર લોર્ડ પૉલે કહ્યું હતું કે  “આ અસાધારણ યુનિવર્સિટી શીખવા અને કૌશલ્ય શોધતા લોકોને તકો પૂરી પાડે છે અને આર્કિટેક્ચર તથા બિલ્ટ એન્વાયર્નમેન્ટ, કેન્સર રિસર્ચ અને પંજાબી સ્ટડીઝ જેવી વિવિધ વિશેષતાઓમાં વિશ્વ-અગ્રણી સંશોધન કરે છે. આ અઠવાડિયે નોર્થ લંડનમાં NHS સંચાલિત નોર્થવિક પાર્ક હોસ્પિટલ ખાતે પણ લેડી અરુણા પોલની યાદમાં રીફર્બીશ્ડ કરાયેલ વિંગનું અનાવરણ થનાર છે.

LEAVE A REPLY

18 − seventeen =