માદુરો
૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ન્યુયોર્ક સિટીમાં યુ.એસ. ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA) ના કાર્યાલયમાં વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને કસ્ટડીમાં લઈ જવામાં આવી રહ્યા છે.@RapidResponse47/Handout via REUTERS

અમેરિકાના સ્પેશિયલ ફોર્સે 3 જાન્યુઆરીની રાત્રે વીજળી વેગે “ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ” હાથ ધરી વેનેઝુએલાની રાજધાની કારાકાસમાંથી તેના પ્રેસિડન્ટ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને કેદ કર્યા હતાં. આ પછી માદુરોને ડ્રગ-ટ્રાફિકિંગના આરોપોનો સામનો કરવા માટે ન્યૂ યોર્ક લાવવામાં આવ્યાં હતાં અને જેલમાં બંધ કરાયા હતાં.
માદુરો અને તેમની પત્ની પર “નાર્કો-ટેરરિઝમ” (અમેરિકામાં કોકેઈન અને ગેરકાયદેસર શસ્ત્રોનો સપ્લાય)નો આરોપ મૂકવામાં આવ્યો છે. ૬૩ વર્ષીય નેતાને બ્રુકલિનમાં ફેડરલ ફેસિલિટી મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતાં અને સોમવારે મેનહટન ફેડરલ કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે.

વેનેઝુએલામાં માદુરોના દેખીતા ઉત્તરાધિકારી અને વાઇસ પ્રેસિડન્ટ ડેલ્સી રોડ્રિગ્ઝ શનિવારે બપોરે અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે સરકારી ટેલિવિઝન પર દેખાયા અને યુએસ કાર્યવાહીને અપહરણ ગણાવીને જણાવ્યું હતું કે અમે પ્રેસિડન્ટ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની તાત્કાલિક મુક્તિની માંગ કરીએ છીએ. તેમણે માદુરોને “વેનેઝુએલાના એકમાત્ર પ્રેસિડન્ટ ગણાવ્યા હતાં.

વેનેઝુએલાની કોર્ટે બાદમાં 56 વર્ષીય રોડ્રિગ્ઝને વચગાળાના પ્રેસિડન્ટનું પદ સંભાળવાનો આદેશ આપ્યો હતો.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે તેઓ વેનેઝુએલાને કામચલાઉ ધોરણે અમેરિકન નિયંત્રણ હેઠળ મૂકી રહ્યાં છે. અમે સુરક્ષિત, યોગ્ય અને ન્યાયી સત્તા પરિવર્તન પૂર્ણ કરી શકીએ ત્યાં સુધી અમે દેશ ચલાવીશું.

અગાઉ ઘણા મહિના સુધી તીવ્ર દબાણ બનાવ્યા પછી અમેરિકાએ શનિવારની વહેલી સવારે વેનેઝુએલા પર એકાએક મોટો હુમલો કર્યો હતો. રાત્રે વીજળી વેગે હાથ ધરાયેલા ઓપરેશનનને પ્રેસિડન્ટ ટ્રમ્પે સફળ અને અસાધારણ ગણાવ્યું હતું. આ સમગ્ર ઓપરેશન 30 મિનિટ કરતાં ઓછો સમય ચાલ્યું હતું અને તેની વિશ્વભરમાંથી મિશ્ર પ્રતિક્રિયા આવી હતી. ઓછામાં ઓછા સાત ભયાનક વિસ્ફોટો થયાં હતાં. લોકો શેરીઓમાં દોડી આવ્યા હતાં. કારાકાસ અને બીજા એક દરિયાકાંઠાના શહેરમાં વિસ્ફોટોથી ધુમાડાના ગોટા દેખાતા હતાં. કારાકાસમાં એક લશ્કરી થાણાના હેંગરમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો, જ્યારે રાજધાનીમાં અન્ય એક લશ્કરી મથકમાં વીજળી ગૂલ થઈ હતી. લોકોએ જણાવ્યું હતું કે આખી જમીન ધ્રૂજી ગઈ હતી. આ ભયાનક વિસ્ફોટ હતાં. વેનેઝુએલાના અધિકારીઓએ જણાવ્યું હતું કે માદુરો અને ફ્લોરેસને દેશના સૌથી સુરક્ષિત ગણાતા ફોર્ટ ટિયુના લશ્કરી સંકુલમાં તેમના નિવાસસ્થાનમાંથી પકડી લેવામાં આવ્યાં હતાં. શાસક પક્ષના એક નેતાએ તેને અપહરણ ગણાવ્યું હતું.

આ હુમલાની કાયદેસરતા અને ટ્રમ્પે અગાઉથી અમેરિકા સંસદ સાથે વિચાવવિમર્શ કર્યો હતો કે નહીં તેની સ્પષ્ટતા થઈ ન હતી. કોઇ દેશના વડાને તેમની ઓફિસમાંથી ઉઠાવી જતી આવી લશ્કરી કાર્યવાહી આશરે 30 વર્ષ પહેલા અમેરિકાએ પનામામાં કરી હતી.

યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ જણાવ્યું હતું કે માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસ ન્યૂયોર્કમાં આરોપોનો સામનો કરવો પડશે. આ દંપતી ટૂંક સમયમાં અમેરિકન અદાલતોમાં અમેરિકન ભૂમિ પર અમેરિકન ન્યાયના સામનો કરશે.

ટ્રમ્પ વહીવટીતંત્રે માદુરો પર ઘણા મહિનાઓના તીવ્ર દબાણ પછી અમેરિકાએ આ હુમલો કર્યો હતો. અગાઉ અમેરિકાએ દક્ષિણ અમેરિકાના દરિયામાં તેના સૈનિકોની મોટાપાયે જમાવટ કરી હતી અને પૂર્વીય પેસિફિક અને કેરેબિયનમાં ડ્રગ્સ વહન કરતી બોટ પર હુમલા કર્યા હતાં. ગયા અઠવાડિયે CIAએ વેનેઝુએલાના ડ્રગ કાર્ટેલ દ્વારા ઉપયોગમાં લેવાતા ડોકીંગ વિસ્તારમાં ડ્રોન હુમલા કર્યા હતાં. તે સપ્ટેમ્બરમાં અમેરિકાએ હુમલા શરૂ કર્યા પછી વેનેઝુએલાની ધરતી પરનું પ્રથમ સીધું ઓપરેશન હતું. શુક્રવારે સુધીમાં આવી 35 બોટ પર હુમલા કરાયા હતાં અને તેમાં ઓછામાં ઓછા 115 લોકોના મોત થયાં હતાં.

ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ડ્રગ કાર્ટેલ સાથે સશસ્ત્ર સંઘર્ષ કરી રહ્યું છે અને અમેરિકામાં ડ્રગ્સના સપ્લાયને રોકવા માટે બોટ પર હુમલો જરૂરી છે. માદુરોએ યુએસ લશ્કરી કાર્યવાહીને તેમને સત્તા પરથી દૂર કરવાનું છુપુ કાવતરું ગણાવીને વખોડી કાઢી હતી.

રશિયા, ચીન, આફ્રિકાએ અમેરિકી હુમલાની નિંદા કરી

અમેરિકાની કાર્યવાહીને યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ, રશિયા, ચીન, ફ્રાન્સ, સાઉથ આફ્રિકા, મેક્સિકો સહિતના દેશોએ નિંદા કરી હતી. ગુટરેસે જણાવ્યું હતું કે આ ગતિવિધિ એક ખતરનાક ઉદાહરણ છે. આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરાયું નથી. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતુ કે ચીન એક સાર્વભૌમ દેશ અને તેના પ્રેસિડન્ટ વિરુદ્ધ અમેરિકાના બળપ્રયોગની નિંદા કરે છે. રશિયાએ વેનેઝુએલા સામે સશસ્ત્ર આક્રમણનું કૃત્ય ગણાવ્યું હતું. “દક્ષિણ આફ્રિકા યુએન સુરક્ષા પરિષદની તાત્કાલિક બેઠક બોલાવવાની માગણી કરી હતી.

માદુરોને આંખો પર પટ્ટી, હાથકડી બાંધી
ઓપરેશનના થોડા કલાકોમાં જ ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર એક ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો, જેમાં માદુરો યુએસ યુદ્ધ જહાજ પર બેઠેલા દેખાય છે, તેમના આંખો પર પટ્ટી બાંધેલી અને હાથકડી પહેરાવેલી છે.

LEAVE A REPLY