લગ્નજીવન
(ANI Photo)

લગ્નને લઈને મહિનાઓથી ચાલી રહેલી અટકળો પછી ટીવી સ્ટાર જય ભાનુશાળી અને માહી વિજે આખરે છૂટાછેડાને પુષ્ટી આપી હતી. આનાથી તેમના 14 વર્ષના  લગ્નજીવનનો અંત આવ્યો છે. ૪૩ વર્ષીય વિજ અને ૪૧ વર્ષીય ભાનુશાલીના લગ્ન ૨૦૧૧માં થયા હતા. તેઓ ત્રણ બાળકોના માતા-પિતા છે. ખુશી અને રાજવીરને તેમણે ૨૦૧૭માં દત્તક લીધા હતાં. તારાનું તેમણે ૨૦૧૯માં સ્વાગત કર્યું હતું.

તેઓ ટીવીના સૌથી લોકપ્રિય યુગલોમાંના એક ગણાતા હતા. તેઓ તેમની 6 વર્ષની દીકરી તારાની સંભાળ સાથે મળીને કરશે. તેઓ તેમના દત્તક લીધેલા બાળકોની પણ સાથે મળીને દેખભાળ રાખશે.

ટીવી સેલિબ્રિટીએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણય તેમણે ખૂબ જ વિચારીને અને શાંતિથી લીધો છે. તેમના સંબંધમાં કોઈ પણ પ્રકારનો દોષ કે કોઈ વિલન નથી. આ અલગ થવાનો નિર્ણય કોઈ નકારાત્મકતાને કારણે નહીં, પરંતુ માનસિક શાંતિ, પરસ્પર સન્માન અને સારા ભવિષ્ય માટે લેવામાં આવ્યો છે.

સ્ટોરીમાં કપલે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે “આજે અમે એક એવા વળાંક પર પહોંચ્યા છીએ જે જીવનને અમારા માટે પસંદ કર્યો છે… શાંતિ માટે, અમારા બાળકો માટે, ખુશી માટે અને સૌથી જરૂરી એકબીજા માટે, અમે અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે સૌથી પહેલા સારા મિત્રો રહીશું… જોકે હવે અમારો રસ્તો અલગ છે, પરંતુ આ નિર્ણયમાં કોઈ ખલનાયક નથી. આ વાર્તા કોઈ નકારાત્મકતા કે કોઈ ખોટા વિશે નથી. કૃપા કરીને સમજો કે અમે આ પગલું શાંતિ અને અમારા માનસિક સ્વાસ્થ્ય માટે ઉઠાવી રહ્યા છીએ… અમે તમને પણ વિનંતી કરીએ છીએ કે અમારા આ નિર્ણયનું સન્માન કરો.”

માહી હાલમાં ‘સહર હોને કો હૈ’ શો દ્વારા 9 વર્ષ બાદ ટીવીની દુનિયામાં કમબેક કરીને છવાયેલી છે. જ્યારે જય ઘણા શો હોસ્ટ કરી ચૂક્યો છે અને હાલમાં તે વિદેશ પ્રવાસે છે.

 

LEAVE A REPLY