નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ફાઇલ ફોટો(PTI Photo

ભારત સરકારે શુક્રવારે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ રાખવાની શુક્રવારે જાહેરાત કરી હતી. ખેલરત્ન એવોર્ડ સ્પોર્ટ્સમાં આવવામાં આવતો સર્વોચ્ચ એવોર્ડ છે. ધ્યાનચંદને હોકીના જાદુગર કહેવામાં આવે છે.

આ અંગેની જાહેરાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાનચંદના નામે રાખવામાં આવશે. મોદીએ કહ્યું કે મેજર ધ્યાનચંદના નામે ખેલ રત્ન પુરસ્કાર રાખવા માટે દેશભરમાંથી ઘણાં નાગરિકો રજૂઆત કરી રહ્યા છે. હું તેમના વિચારો અંગે તેમનો આભાર વ્યક્ત કરું છું. તેમની ભાવનાનું સન્માન કરીને, ખેલ રત્ન પુરસ્કારને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કહેવામાં આવશે.

હોકીમાં ભારતીય ખેલાડીઓના સારા પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશને ગર્વિત કરનારી પળો વચ્ચે અનેક દેશવાસીઓએ એવો આગ્રહ કર્યો છે કે ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાનચંદજીને સમર્પિત કરવામાં આવે. લોકોની ભાવનાઓને જોતા, તેનું નામ હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કરવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાને આ અંગે ટ્વિટ કરીને લખ્યું છે કે, “ઓલિમ્પિક રમતોમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રયાસથી આપણે સૌ અભિભૂત છીએ. ખાસ કરીને હોકીમાં અમારી દીકરીઓએ જે ઈચ્છાશક્તિ દર્શાવી છે, જીત પ્રત્યે જે જુસ્સો દર્શાવ્યો છે, વર્તમાન અને આવનારી પેઢીઓ માટે તે પ્રેરણાદાયી છે.”

1991-92માં સરકારે આ પુરસ્કારની શરૂઆત કરી હતી. એ જીતનાર ખેલાડીને પ્રશસ્તિપત્ર, પુરસ્કાર અને 25 લાખ રૂપિયા આપવામાં આવે છે. ધ્યાનચંદે 1926 થી 1949 સુધી 185 આંતરરાષ્ટ્રીય મેચોમાં 400 ગોલ કર્યા હતા. તેની રમતને કારણે ભારતે 1928, 1932 અને 1936 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા