મલાલાના માતાપિતા સાથે અસર Picture taken November 9, 2021. Malin Fezehai - Twitter @ Malala/via REUTERS

પાકિસ્તાની એક્ટિવિસ્ટ અને નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસફઝાઈ બર્મિંગહામમાં એક સાદા સમારોહમાં લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. ગર્લ્સ એજ્યુકેશન એક્ટિવિસ્ટ 24 વર્ષની મલાલા યુસફઝાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના નિકાહની તસવીરો શેર કરીને મંગળવારે આ અંગે જાણકારી આપી છે.

બ્રિટનમાં રહેતી મલાલાએ જણાવ્યું હતું કે તેને અને તેના નવા પતિ અસરે બર્મિંહહામમાં લગ્ન કર્યા છે. મલાલાએ નામ સિવાય તેના પતિ અંગેની બીજી કોઇ માહિતી આપી ન હતી. જોકે ઇન્ટરનેટ યુઝર્સ શોધી પાડ્યું હતું કે તેના પતિનું નામ અસર મલિક છે. તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના હાઇ પરફોર્મન્સ સેન્ટરનો જનરલ મેનેજર્સ છે. જોકે આ અંગે પુષ્ટી મળી શકી ન હતી.

નિકાહની અને પતિ સાથેની તસવીરો પોસ્ટ કરીને મલાલાએ લખ્યું છે કે, આજે મારા દિવસનો એક અમૂલ્ય દિવસ છે. જીવનસાથી બનવા માટે હું અને અસર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છીએ. અમે અમારા પરિવારોની હાજરીમાં બર્મિંગહામમાં ઘરમાં જ એક નિકાહ સેરેમનીનું આયોજન કર્યુ હતું. અમારા માટે પ્રાર્થના કરજો. અમે ભાવિ સફરમાં સાથે ચાલવા માટે ઉત્સુક છીએ.

મલાલાએ સોશિયલ મીડિયા પર ચાર તસવીરો શેર કરી છે, જેમાં તેના પતિ અસર, અસરના માતા-પિતા અને મલાલાના પિતા ઝિયાઉદ્દીન યુસફઝાઈ અને માતા તૂર પેકાઈ યુસફઝાઈ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મલાલા યુસફઝાઈ પોતાની નીડરતા માટે ઓળખાય છે. તે હંમેશા નીડર બનીને સમાજની બુરાઈઓ વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. વર્ષ 2012માં મલાલાએ છોકરીઓના શિક્ષણ માટે અવાજ ઉઠાવ્યો, જેના પરિણામે તાલિબાને તેને ગોળી મારી હતી. મલાલાને તે ગોળી માથા પર વાગી હતી. પરંતુ મલાલાએ જીવનની જંગ પણ જીતી લીધી હતી.
મલાલા યુસુફઝાઈનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. જ્યારે તેને ગોળી વાગી ત્યારે તેની ઉંમર માત્ર 11 વર્ષ હતી.

મહિનાઓ સુધી તેની સારવાર કરવામાં આવી, અનેક મોટી સર્જરી કરવામાં આવી હતી. ત્યારપછી તે પોતાના પરિવાર સાથે યુકેમાં રહેતી હતી. પિતાની મદદથી તેણે મલાલા ફંડની શરુઆત કરી. આ ફંડમાં જે પૈસા દાનમાં આવે છે તેનો ઉપયોગ દીકરીઓને શિક્ષણની તકો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે. તેના કામને ધ્યાનમાં રાખીને ડિસેમ્બર, 2014માં નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડથી તેણે ફિલોસોફી, પોલિટિક્સ અને ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો.

અગાઉ જાણીતા મેગેઝિન વોગને આપેલા ઈન્ટરવ્યૂમાં મલાલાએ લગ્નને બીનજરૂરી ગણાવ્યા હતા. તેણે કહ્યું હતું કે મને સમજાતું નથી કે લોકો લગ્ન શા માટે કરે છે. જો તમારે જીવનસાથી જોઈએ તો તમે લગ્નના કાગળો પર હસ્તાક્ષર શા માટે કરો છો, આ માત્ર એક પાર્ટનરશીપ કેમ ન હોઈ શકે?