યુકેના પ્રથમ મહિલા એશિયન લોર્ડ મેયર બનેલા અને લેસ્ટરના સ્ટોનીગેટ વોર્ડના લેબર કાઉન્સિલર તથા આસીસ્ટન્ટ મેયર તરીકે સેવા આપનાર ૮૦ વર્ષના મંજુલા સૂદનું તા. 24 ડિસેમ્બરના રોજ અવસાન થયું છે. મંજુલા સૂદને “લેસ્ટર સમુદાય માટે સમર્પિત સેવક” તરીકે વર્ણવવામાં આવ્યા છે.
શ્રીમતી સૂદ 1970માં ભારતથી લેસ્ટર આવ્યા હતા, જ્યાં તેમણે પીએચડીનો અભ્યાસ કર્યો હતો. લગભગ 20 વર્ષ સુધી પ્રાથમિક શાળાના શિક્ષિકા તરીકે સેવાઓ આપી હતી.
તેઓ તેમના પતિ વિજય પોલ સુદના મૃત્યુને કારણે થયેલી પેટાચૂંટણી જીત્યા બાદ, ઓક્ટોબર 1996માં લેસ્ટરના પ્રથમ મહિલા હિન્દુ કાઉન્સિલર બન્યા હતા. બાર વર્ષ પછી, મે 2008માં તેઓ યુકે અને લેસ્ટરના પ્રથમ એશિયન મહિલા લોર્ડ મેયર બન્યા હતા.
લેસ્ટર સાઉથના ઇન્ડિપેન્ડન્ટ એમપી શોકત આદમે કહ્યું હતું કે તેમને શ્રીમતી સૂદ દ્વારા શિક્ષણ મળ્યું છે અને તેમના કાર્ય અને દયા દ્વારા અસંખ્ય જીવનને તેઓ સ્પર્શ્યા હતા. તેમનું મૃત્યુ લેસ્ટર શહેર માટે એક મોટું નુકસાન છે.
લેસ્ટર વેસ્ટના લેબર સાંસદ લિઝ કેન્ડલે પણ શ્રીમતી સૂદને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે તેમનો લેસ્ટર પર મોટો પ્રભાવ પડ્યો હતો, તેમજ મહિલાઓ અને આપણા અદ્ભુત વૈવિધ્યસભર સમુદાયોને તેમણે ચેમ્પિયન બનાવ્યા હતા.
શ્રીમતી સૂદ પંજાબ જિલ્લાના લુધિયાણામાં 25 રૂમના ઘરમાંથી તેમના સ્વર્ગસ્થ પતિ સાથે લેસ્ટરમાં નાના ફ્લેટમાં રહેવા ગયા. ત્યાં કોઈ કાર્પેટ અને હીટિંગ નહોતું અને બરફ પડી રહ્યો હતો.
શ્રીમતી સૂદને MBE તરીકે બહુમાન અપાયું હતું અને લેસ્ટર યુનિવર્સિટી તરફથી લૉની માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.













