ફૂટબોલના જાદુગર ડીયોગો મારેડોનાના મોત બાદ કોલકતામાં 26 નવેમ્બરે તેમના ચાહકોએ શ્રદ્ધાંજલી આપી હતી.

ભારતમાં ગોવાના એક મિનિસ્ટરે રાજ્યના પૂર્વના કાંઠા વિસ્તારમાં કેલેન્ગુટ ખાતે વિખ્યાત ફૂટબોલર મારાડોનાની પ્રતિમા મુકવાની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. રાજ્ય સરકારના સિનિયર પ્રધાન માઇકલ લોબોએ આપેલી માહિતી મુજબ એક શિલ્પી આ પ્રોજેક્ટ પર કામ કરી જ રહ્યો હતો. પ્રતિમા કેલેન્ગુટ અથવા કોન્ડોલિમ ખાતે સ્થાપિત કરાશે.

લોબોએ કહ્યું કે અમે તો 2018માંજ મારાડોનાની પ્રતિમા સ્થાપવાનો નિર્ણય કરી લીધો હતો. આ પૂર્ણ કદની પ્રતિમા 350 કિલો વજનની હોવાનો અંદાજ છે. લોબોએ વધુમાં એવી માહિતી આપી હતી કે વધુ એક ઇન્ટરનેશનલ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પ્રતિમા પણ ગોવા સરકાર સ્થાપવાની છે.

ભારતના મોખરાના ક્રિકેટર્સ – સચિન તેડુંલકર અને ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ડ, ભૂતપૂર્વ ખેલાડી સૌરવ ગાંગુલી સહિત અને ક્ષેત્રોના અગ્રણીઓએ મારાડોનાને શ્રદ્ધાંજલિ આપી હતી.

આર્જેન્ટીનાના આ મહાન ફૂટબોલર ડિએગો મારાડોનાનું ગયા સપ્તાહે 60 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેને પોતાના ઘેર જ હાર્ટ એટેક આવ્યો હતો. બે સપ્તાહ પહેલા જ તેમને મગજમાં ક્લોટ હોવાના કારણે સર્જરી કરાવવી પડી હતી.

મારાડોના સર્વકાલિન મહાન ફૂટબોલ ખેલાડી ગણાય છે. આર્જેન્ટીનાને 1986માં ફૂટબોલ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવામાં મારાડોનાનો શાનદાર દેખાવ મહત્વનો રહ્યો હતો. તેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 1986ની ટૂર્નામેન્ટમાં ‘હેન્ડ ઓફ ગોડ’ માટે યાદ કરવામાં આવે છે. મારાડોનાએ 1976માં ફૂટબોલની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેના એક દાયકા પછી આર્જેન્ટીનાએ 1986માં વર્લ્ડ કપ મેળવ્યો તે ટીમનો સુકાની મારાડોના હતો. આ દરમિયાન તેમણે રમતના ઈતિહાસના બે યાદગાર ગોલ પણ કર્યા હતા. ડિએગો મારાડોનાનો જન્મ 30 ઓક્ટોબર 1960મા થયો હતો.