કાનપૂરમાં ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતના શ્રેયસ ઐયર અને રવિન્દ્ર જાડેજા (ANI Photo)

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચમાં શુક્રવારે બીજા દિવસે ભારતની ટીમ પહેલી ઈનિંગમાં 345 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી શ્રેયસ અય્યરે પોતાની પ્રથમ મેચમાં સદી નોંધાવી ટીમને એક સન્માન જનક સ્કોર સુધી દોરી હતી. ન્યૂઝીલેન્ડ ટીમના ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ 5 વિકેટ લઈ ટીમ ઈન્ડિયાને 350ની અંદર રોકી દીધી હતી.

અય્યર 171 બોલમાં 105 રન કરી આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ 112 બોલમાં 50 રન કર્યા હતા.5મી વિકેટ માટે જાડેજા અને શ્રેયસ અય્યર વચ્ચે 226 બોલમાં 121 રન જોડ્યા હતા.

ન્યુઝિલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ગુરુવારે પ્રથમ દિવસે ભારતની ટીમે ચાર વિકેટે 258 રન બનાવ્યા હતા બીજી દિવસે ભારતની શરૂઆત નબળી રહી હતી. કાનપુરમાં આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમમાં સુકાની વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ અને જસપ્રિત બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી છે. કોહલીની ગેરહાજરીમાં કાર્યકારી સુકાની અજિંક્ય રહાણે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઓપનિંગની જવાબદારી મયંક અગ્રવાલ અને શુભમન ગિલ પર હતી. જોકે, કાયલે જેમિસને મયંકને સસ્તામાં આઉટ કરીને ભારતને પ્રથમ ફટકો આપ્યો હતો. મયંક 13 રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, બાદમાં શુભમન ગિલે શાનદાર રમત દાખવી હતી અને અડધી સદી ફટકારી હતી. ગિલે 93 બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર સાથે 52 રન ફટકાર્યા હતા.