ઓરો યુનિવર્સિટી ખાતે મિચ પટેલ સાથે જે. પી

આહોઆના ભૂતપૂર્વ ચેરમેન માઇક પટેલે જે. પી. રામા સાથેના સંસ્મરણો તાજા કરતાં જણાવ્યું હતું કે, ‘અમે બધાએ સાથે ખૂબ મજા કરી છે. અમારા બોર્ડ અને અમારી ટીમ સાથે, જે.કે. પટેલ, રમેશ સુરતી અને સ્વ. રોજર લેવા, અમે ચોક્કસપણે આહોઆને એક નિશ્ચિત સ્થાન અપાવ્યું.

વ્યક્તિ રીતે જે. પી.ની એક યાદ એવી હતી કે તેઓ સીધું કહી દેતા હતા, પરંતુ સાથે વિનમ્ર પણ એટલા જ હતા. અમે સાથે મળીને ઘણીવાર ભોજન કર્યું છે અને ખાસ આશ્ચર્ય તરીકે મારી પત્ની હસ્મિતાએ તેમના જન્મ દિને ખાસ વાનગી બનાવી હતી, અને તે વખતે તેમની આંખમાં આસુ આવી ગયા હતા.’

જ્યારે ‘આહોઆ’ના નવા ચૂંટાયેલા સેક્રેટરી મિરાજ પટેલે પણ જે. પી. રામા સાથે તેમની યાદોની વાત કરતાં જણાવ્યું હતું કે, ‘જે.પી. અંકલ માત્ર તેમની કંપનીમાં જ નહીં, પરંતુ અમારી ઇન્ડસ્ટ્રી, એસોસિએશન અને સમુદાયના એક અગ્રણી સ્વપ્નદૃષ્ટા હતા. આહોઆની શરૂઆતના તબક્કામાં ભૂતપૂર્વ ચેરમેન તરીકે આ એસોસિએશનને ઊભું કરવામાં મદદ કરી હતી, જે અમારા માટે અવાજ, એકતા અને તમામ એશિયન અમેરિકન હોટેલ માલિકોની ઓળખનું મંચ બની ગયું હતું. તેમની સફળતાના મુખ્ય સિદ્ધાંતોમાં સારા શિક્ષણનો પણ સમાવેશ થતો હતો. તેમણે સુરતમાં પરિવાર સાથે ઓરો યુનિવર્સિટીની સ્થાપના કરીને વિદ્યાર્થીઓને મદદ કરવા માટે વિવિધ શિષ્યવૃત્તિ કાર્યક્રમો શરૂ કરી યોગદાન આપ્યું હતું.

વધુમાં, મારા જેવા યુવા અગ્રણીઓની વાત આવે ત્યારે તેઓ એક મોટા સમર્થક હતા. હું તેમના સહકાર, માર્ગદર્શન અને આશીર્વાદ માટે હંમેશા આભારી રહીશ. દુઃખની આ ઘડીમાં હું સમગ્ર રામા પરિવાર પ્રત્યે સંવેદના અને પ્રાર્થના વ્યક્ત કરું છું.’