અમેરિકાની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે અમેરિકાનાં વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ સાથે મુલાકાત કરી હતી. આ પ્રથમ પ્રસંગ હતો કે જ્યારે કોઈ ભારતીય મૂળનાં અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટે ભારતીય વડાપ્રધાન સાથે મુલાકાત કરી હોય. આ મીટિંગ દરમિયાન કમલા હેરિસે આતંકવાદ અને એમાં પાકિસ્તાનની ભૂમિકાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કમલા હેરિસે કહ્યું કે પાકિસ્તાનમાં કેટલાય આતંકી સંગઠનો છે. કમલા હેરિસે પાકિસ્તાનને સલાહ આપી કે એ આતંકવાદી સંગઠનો પર કાર્યવાહી કરે, જેથી એ આતંકી સંગઠનો અમેરિકા અને ભારતની સુરક્ષા માટે ખતરો બને નહીં.ભારત કેટલાય દાયકાથી આતંકવાદનો શિકાર થતું રહ્યું છે અને હવે આતંકી સંગઠનોને પાકિસ્તાનથી મળી રહેલી મદદ પર અંકુશ રાખવો અને તેના પર આકરી દેખરેખ રાખવી જરુરી છે.કમલા હેરિસ સાથેની ચર્ચામાં મોદીએ આગળ કહ્યું કે અમેરિકામાં તમારું ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવું ખૂબ મહત્વપૂર્ણ છે. આ દુનિયા માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. તમે અને બાઈડન મળીને ભારત-અમેરિકાના સંબંધો મજબૂત કરો. અમે તમારું સન્માન કરવા ઈચ્છીએ છીએ, હું તમારું ભારતમાં સ્વાગત કરવા ઈચ્છું છું. તમારી વિજયયાત્રા ઐતિહાસિક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મોડીરાત્રે કમલા હેરિસને મળ્યા હતા અને બન્ને દેશોને કુદરતી ભાગીદારો ગણાવ્યા હતા. કમલા હેરિસ સાથે પ્રથમ વ્યક્તિગત મીટિંગ પછી તેમણે ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની હિમાયત કરી હતી અને બન્ને નેતાઓ લોકશાહીને જોખમ, અફઘાનિસ્તાન અને ઇન્ડો-પેસિફિક સહિત અનેક પરસ્પર હિતોના વૈશ્વિક હિતો પર ચર્ચા કરી હતી. હેરિસ સાથે સંયુક્ત મીડિયાની હાજરીમાં મોદીએ કહ્યું હતું કે ‘ભારત અને અમેરિકા કુદરતી ભાગીદારો છે. અમારા એકસમાન સિદ્ધાંતો છે, એકસમાન ભૌગોલિક હિતો છે.’ કમલા હેરિસે ભારત દ્વારા કોરોનાની રસીની નિકાસ ફરી શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો હતો. મોદીએ કહ્યું હતું કે બન્ને દેશો મૂલ્યોની આપલે કરે છે તેમજ તેમના સહકાર અને સંકલન વૈશ્વિક ધોરણે તબક્કાવાર વધી રહ્યા છે. મોદીએ હેરિસને કહ્યું હતું કે ‘તમે ‌વિશ્વભરમાં અનેક લોકોના પ્રેરણાસ્ત્રોત છો. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રમુખ બાઈડેન અને તમારી નેતાગીરીમાં દ્વિપક્ષીય સંબંધો નવી ઊંચાઇએ પહોંચશે.’એક ટ્વિટમાં મોદીએ કહ્યું હતું કે ‘વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને મળીને આનંદ થયો. અમે બન્ને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બને તેવા અનેક વિષયો પર ચર્ચા કરી હતી.’ મોદીએ 56 વર્ષીય ડેમોક્રેટિક નેતાને ભારતની મુલાકાતનું આમંત્રણ આપ્યું હતું.