લંડન પધારેલા ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટીશ વડા પ્રધાન સર કેર સ્ટાર્મર વચ્ચે યોજાયેલી મુલાકાત બાદ ભારતના કોમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલ અને યુકેના બિઝનેસ અનેડ ટ્રેડ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સ દ્વારા ભારત અને યુકે વચ્ચે સીમાચિહ્નરૂપ મુક્ત વેપાર કરાર પર તા. 24 જુલાઇના રોજ હસ્તાક્ષર કરી આ કરારને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
મુક્ત વેપાર કરાર (FTA)થી ભારત અને યુકે વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં આશરે વાર્ષિક £25.2 બિલિયનનો વધારો થવાની અપેક્ષા છે. આ કરાર બ્રિટિશ વ્હિસ્કી અને કાર સહિત અન્ય વસ્તુઓ પર ટેરિફ ઘટાડશે અને 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરશે. બંને વ્યૂહાત્મક ભાગીદારોએ વોશિંગ્ટનની વેપાર નીતિઓ પર વધતી જતી વૈશ્વિક ચિંતાઓ વચ્ચે એક નવો વિકાસ માર્ગ બનાવવાનું વચન આપ્યું હતું.
FTA થી 99 ટકા ભારતીય નિકાસને ફાયદો થવાની અપેક્ષા છે. ત્રણ વર્ષની વાટાઘાટો પછી મજબૂત બનેલા આ સોદાથી તમામ ક્ષેત્રોમાં ભારતીય માલ માટે વ્યાપક બજાર ઍક્સેસ સુનિશ્ચિત કરશે અને ભારતને લગભગ 99 ટકા ટેરિફ લાઇન (ઉત્પાદન શ્રેણીઓ) પર ટેરિફ નાબૂદીનો લાભ મળશે જે લગભગ 100 ટકા વેપાર મૂલ્યોને આવરી લે છે.
યુકેની ટૂંકી મુલાકાતે પધારેલા નરેન્દ્ર મોદી અને તેમના બ્રિટિશ સમકક્ષ કેર સ્ટાર્મરે બન્ને દેશો વચ્ચેનો સહયોગ વધારવા સહિત વિવિધ મુદ્દઓ પર વાતચીત કરી હતી.
FTA કરાર બાદ સર કેર સ્ટાર્મરે કહ્યું હતું કે “ભારત સાથેનો અમારો સીમાચિહ્નરૂપ વેપાર કરાર બ્રિટન માટે એક મોટી જીત છે. તે યુકેમાં હજારો બ્રિટિશ નોકરીઓનું સર્જન કરશે, બિઝનેસીસ માટે નવી તકો ખોલશે અને દેશના દરેક ખૂણામાં વૃદ્ધિને વેગ આપશે. યુરોપિયન યુનિયન છોડ્યા પછી યુકે દ્વારા હસ્તાક્ષર કરાયેલ આ સૌથી મોટો અને આર્થિક રીતે સૌથી મહત્વપૂર્ણ વેપાર કરાર છે.
બ્રિટિશ વડા પ્રધાનના નિવાસસ્થાન ચેકર્સ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હસ્તાક્ષરના સાક્ષી તરીકે પોતાના મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે “આજે ભારત-યુકે સંબંધોમાં એક ઐતિહાસિક દિવસ છે. ઘણા વર્ષોની સખત મહેનત પછી, ભારત અને યુકે વચ્ચે ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા છે.’’
મોદીએ પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરવા બદલ યુકેનો આભાર માનતા કહ્યું હતું કે ‘’બંને પક્ષો એક થયા છે કે આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી. અમે સંમત છીએ કે ઉગ્રવાદી વિચારધારા ધરાવતા દળોને લોકશાહી સ્વતંત્રતાઓનો દુરુપયોગ કરવાની મંજૂરી આપી શકાય નહિં. ભારત અને યુકેની સુરક્ષા એજન્સીઓ આર્થિક અપરાધીઓના પ્રત્યાર્પણ જેવા મુદ્દાઓ પર સહયોગ અને સંકલન વધારવાનું ચાલુ રાખશે.’’
મુક્ત વેપાર કરાર અંગે મોદીએ કહ્યું હતું કે ‘’આ કરાર ભારતની કૃષિ પેદાશો અને પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગ માટે બ્રિટિશ બજારમાં નવી તકો ઊભી કરશે, અને તે ખાસ કરીને ભારતના યુવાનો, ખેડૂતો, માછીમારો અને MSME ક્ષેત્ર માટે ફાયદાકારક રહેશે. ભારતીય કાપડ, ફૂટવેર, રત્નો અને ઝવેરાત, સીફૂડ અને એન્જિનિયરિંગના માલ-સામાનને યુકેમાં વધુ સારી બજાર પહોંચ મળશે. ભારત અને યુકે આગામી દાયકામાં બંને પક્ષો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ અને ઉર્જા આપવા માટે “વિઝન 2035” રોડમેપને પણ મજબૂત બનાવી રહ્યા છે.’’
વડા પ્રધાન મોદીએ ‘’ઈન્ડો-પેસિફિકની એકંદર પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘’અમે ઈન્ડો-પેસિફિકમાં શાંતિ અને સ્થિરતા, યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર મંતવ્યો શેર કરવાનું ચાલુ રાખ્યું છે. તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું આવશ્યક છે. આજના યુગની માંગ “વિસ્તરણવાદ” નથી, પરંતુ વિકાસવાદ છે.’’
મોદીએ ગયા મહિને અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં અનેક બ્રિટિશ નાગરિકોના મૃત્યુ પર પણ શોક વ્યક્ત કર્યો હતો.
મોદી બુધવાર તા. 23ના રોજ રાત્રે લગભગ 8.30 વાગ્યે લંડન પહોંચ્યા હતા અને ગુરુવારે મોડી રાત્રે મૉલદિવ્સ જવા રવાના થશે. તેઓ યુકેમાં 24 કલાકથી પણ ઓછા સમય વિતાવશે. તેમણે તા. 24ના રોજ વડા પ્રધાન સ્ટાર્મર સાથે લંચ લીધું હતું અને પ્રસ્થાન પહેલાં સેન્ડરિંગહામ ખાતે તેઓ મહારાજા કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરશે તેવી અપેક્ષા છે.
બ્રેક્ઝિટ પછી FTA એ યુકેનો સૌથી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વેપાર કરાર છે અને તે બ્રિટિશ અર્થતંત્રમાં વાર્ષિક £4.8 બિલિયન ઉમેરશે તેવો અંદાજ છે.
આ કરારમાં ભારતમાં નિકાસ થતા લગભગ 90 ટકા યુકે માલ પર ટેરિફ ઘટાડાનો સમાવેશ થાય છે, જેમાં વ્હિસ્કી, કોસ્મેટિક્સ અને મેડિકલ સાધનોનો સમાવેશ થાય છે. જેના બદલામાં યુકે 99 ટકા ભારતીય ઉત્પાદનોને ડ્યુટી-ફ્રી ઍક્સેસ આપશે.
બંને નેતાઓએ “યુકે-ઇન્ડિયા વિઝન 2035” પણ લોન્ચ કર્યું, જેનો હેતુ સંરક્ષણ, ક્લાઇમેટ એક્શન, શિક્ષણ અને સરહદ સુરક્ષામાં સહયોગ વધારવાનો છે.
આ કરાર અંતર્ગત યુકેમાં ભારતીય કામદારો અને તેમના એમ્પલોયર્સને ત્રણ વર્ષ માટે સોસ્યલ સિક્યુરીટી કોન્ટ્રીબ્યુશન ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવશે, જેની વાર્ષિક બચત £341.7 મિલિયન થવાનો અંદાજ છે.
યુકેના બિઝનેસીસને ભારતના બિન-સંવેદનશીલ પબ્લિક પ્રોક્યોરમેન્ટ માર્કેટમાં પણ પ્રવેશ મળશે, જેનું મૂલ્ય વાર્ષિક આશરે £38 બિલિયન છે.
