ફ્રેન્ચ ઓપનની 22 ઓક્ટોબર 2020 રમાયેલી ફાઇનલમાં રફેલ નડાલ ચેમ્પિયન બન્યો હતો. (Photo by Aurelien Meunier/Getty Images)

પેરિસમાં રવિવારે રમાયેલી ફ્રેન્ચ ઓપન ટેનિસની પુરૂષોની સિંગલ્સની ફાઈનલમાં વર્લ્ડ નંબર વન નોવાક યોકોવિચને સીધા સેટ્સમાં 6-0, 6-2, 7-5થી હરાવી બીજા ક્રમના ખેલાડી, સ્પેઈનના રફેલ નડાલે 13મી વખત ફ્રેન્ચ ઓપનનું ટાઈટલ પ્રાપ્ત કર્યું હતું, જે એક રેકોર્ડ છે. 34 વર્ષના નડાલે કેરિયરનું પણ 20મું ગ્રાંડ સ્લેમ ટાઈટલ મેળવ્યું હતું, જે સ્વિસ લેજેન્ડ રોજર ફેડરરના સૌથી વધુ સિંગલ્સ ગ્રાંડ સ્લેમના વિજયના રેકોર્ડની બરાબરી છે.

યોકોવિચ સ્હેજમાં એક મહત્ત્વનો રેકોર્ડ – ચારેય ગ્રાન્ડ સ્લેમ બે કે વધુ વખત જીતનારા છેલ્લી અડધી સદીના સૌપ્રથમ ખેલાડી તરીકેનો – ચૂકી ગયો હતો. નડાલે 2.41 કલાકમાં વિજય મેળવ્યો હતો.

નડાલે ટેનિસના ઈતિહાસમાં એક જ ગ્રાન્ડ સ્લેમ સૌથી વધુ વખત જીતવાના રેકોર્ડને વધુ મુશ્કેલ બનાવતા 13મી વખત ફ્રેન્ચ ઓપન ટાઈટલ મેળવ્યું હતુ. યોકોવિચ અને ફેડરર સંયુક્ત રીતે આ યાદીમાં બીજા સ્થાને છે. યોકોવિચ 8 વખત ઓસ્ટ્રેલિયન ઓપન અને ફેડરર 8 વખત વિમ્બલ્ડન ટાઈટલ ઉપર પોતાના નામ અંકિત કરી ચૂક્યા છે. નડાલે યોકોવિચ સામેની નવમી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પાંચમો વિજય મેળવ્યો હતો. તેણે કારકિર્દીનું 60મું ક્લે કોર્ટ ટાઈટલ અને ઓવરઓલ 86મી ટ્રોફી જીત્યા હતા. રોલેન્ડ ગેરોસ પર રાફેલ નડાલની આ 102મી મેચ હતી, જેમાં આ તેનો 100 વિજય સાથેનો એક વધુ રેકોર્ડ રહ્યો.