શારજહામાં સોમવાર 12 ઓક્ટોબર 2020ના રોજ રમાયેલી રોયલ ચેલેન્જર્સ સામેની મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સના બેટમેન રન દોડી રહ્યા છે. (PTI Photo/Sportzpics)

સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ સાથે આઈપીએલ 2020ની લીગ સ્ટેજની અડધી સીઝન પૂર્ણ થઈ છે, ત્યારે બેંગલોરે કોલકાતાને 82 રને હરાવી રેકોર્ડ કર્યો હતો. એ. બી. ડીવિલિયર્સે 200 ટકાથી વધુના સ્ટ્રાઈક રેટ સાથે ફક્ત 33 બોલમાં અણનમ 73 રન કર્યા હતા, તો તેણે સુકાની કોહલી સાથે સદીથી વધુની ભાગીદારી કરી હતી.

બેંગલોરે પહેલા બેટિંગ કરી બે વિકેટે 194 રન કર્યા હતા, તેની સામે કોલકાતા ફક્ત 9 વિકેટે 112 સુધી પહોંચી શક્યું હતું. બેંગલોરના ઓપનર્સ એરોન ફિન્ચ અને દેવદત્ત પડીક્કલે સારી શરૂઆત સાથે પાવરપ્લેમાં 47 રન કર્યા હતા. ટીમને પ્રથમ ઝટકો 67 રને લાગ્યો હતો. દેવદત્ત પડીક્કલ 32 રન 23 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે કર્યા હતા. સ્કોર 94 રન થયો ત્યારે આરસીબીએ બીજી વિકેટ ગુમાવી હતી. ફિન્ચ ત્રણ રન માટે અડધી સદી ચુકી ગયો હતો.

ટીમનો સ્કોર 15 ઓવરમાં 111 રન જ હતો, વિરાટ કોહલી 20 અને ડીવિલિયર્સ 8 રને રમતા હતા. એ પછી એબીનો ઝંઝાવાત ફૂંકાયો હતો. છેલ્લી પાંચ ઓવરમાં બંન્નેએ 83 રન અને 47 બોલમાં 100 રનની ભાગીદારી કરી હતી. આરસીબીએ આપેલા 195 રનના ટાર્ગેટ સામે કોલકાતાની નવી ઓપનિંગ જોડીએ શરૂઆત કરી હતી. શુભમન ગિલની સાથે ટોમ બેન્ટન આવ્યો હતો. જો કે, આ પ્રયોગ નિષ્ફળ રહ્યો હતો અને બેન્ટન 8 રન કરી નવદીપ સૈનીની ઓવરમાં બોલ્ડ થયો હતો. કોલકત્તાએ 23 રને પહેલી અને 51 રને બીજી વિકેટ ગુમાવી હતી. એ પછી ટીમ ખાસ કઈં કરી શકી નહોતી.

બેંગલોર તરફથી વોશિંગટન સુંદરે 4 ઓવરમાં 20 રન આપીને બે વિકેટ ઝડપી હતી, તો ચહલે 4 ઓવરમાં માત્ર 12 રન આપી એક વિકેટ લીધી હતી. આ સિવાય ક્રિસ મોરિસે 4 ઓવરમાં 17 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તો ઉસુરુ ઉડાના, મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈનીને એક-એક વિકેટ મળી હતી. અડધી સીઝનના અંતે બેંગલોરે આ વિજય સાથે પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે, તો મુંબઈ ઈન્ડિયન્સ પહેલા અને કિંગ્સ ઈલેવન પંજાબ છેલ્લા સ્થાને છે. ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ પણ કંગાળ દેખાવ સાથે સાતમા ક્રમે છે.