મહારાષ્ટ્રના નાસિકમાં 21 એપ્રિલે હોસ્પિટલ સંકુલમાં ઓક્સિજન ટેન્કર લીક થયું હતું. તેનાથી હોસ્પિટલમાં સપ્લાયને અસર થઈ હતી અને કોરોના દર્દીઓના મોત થયા હતા. ફોટો સૌજન્ય (ANI via REUTERS)

મહારાષ્ટ્રના નાસિકમાં ટેન્કરમાંથી ઓક્સિજન લીક થવાથી બુઘવારે 22 કોરોનાગ્રસ્ત દર્દીઓનાં મોત થયા હતા. નાસિકમાં આ દુર્ઘટના ટેન્કર ભરતી વખતે લિકેજને કારણે થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના નાસિકની ઝાકિર હુસેન હોસ્પિટલની છે. અહીં ઓક્સિજન ટેન્કરમાંથી અચાનક ઓક્સિજન લીક થવાની સમગ્ર હોસ્પિટલ પરિસરમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો.ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

મીડિયા રિપોર્ટ મુજબ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થવાને કારણે ઓક્સિજનનું સપ્લાય 30 મિનિટ સુધી રોકાઈ ગયો હતો. જેના કારણે 22 દર્દીઓએ વેન્ટિલેટર પર જ દમ તોડી દીધો છે. જ્યારે 35 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. નાસિકના ડીએમએ 22 લોકોના મોતની પુષ્ટિ કરી હતી.

કોરોના મહામારી વચ્ચે મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ઓક્સિજનની તીવ્ર અછત વર્તાઇ રહી છે. આને કારણે દર્દીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. રાજ્ય સરકારે હવાઇ માર્ગે રાજ્યને ઓક્સિજન સપ્લાય કરવા કેન્દ્રને વિનંતી પણ કરી હતી. જેથી દર્દીઓને યોગ્ય સમયે ઓક્સિજન મળી રહે અને તેમના જીવ બચાવી શકાય.