ભારત સરકારે ઓક્સિજનને આવશ્યક જાહેર આરોગ્ય કોમોડિટી જાહેર કરીને ઔદ્યોગિક વપરાશ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં દેશમાં કોરોનાના કહેર વચ્ચે મેડિકલ ઓક્સિજનની કટોકટી ઊભી થઈ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, પંજાબથી લઇને ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં ઓક્સિજનની અછતથી દર્દીઓ ઝઝુમી રહ્યા છે.

કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે ઓક્સિજનની માંગ પણ વધી રહી છે. કેટલાક રાજ્યોએ કેન્દ્ર સરકારને ઓક્સિજન પહોચાડવાની અપીલ કરી છે. મધ્યપ્રદેશમાં પણ સ્થિતિ ગંભીર બની ગઇ છે. મધ્યપ્રદેશમાં સ્થિતિ એવી વિકટ બની છે કે દમોહમાં લોકોએ ઓક્સિજન સિલેન્ડરોને લૂંટ કરવી પડી હતી. દમોહ જિલ્લા હોસ્પિટલથી મંગળવાર રાત્રે લોકોએ ઓક્સિજન સિલેન્ડર લૂંટી લીધા હતા. જિલ્લાના કલેક્ટરે જણાવ્યું હતું કે ઓક્સિજન સિલેન્ડરની ટેન્કર આવતા કેટલાક લોકોએ ઓક્સિજન સિલેન્ડર લૂંટી લીધા હતા અને પોતાના દર્દીઓની પાસે જઇને રાખી દીધા હતા. ૉ

જોકે, હોસ્પિટલમાં ઓક્સિજન પુરતી માત્રામાં હતો. એવા લોકોની ઓળખ કરીને તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ કેટલાક રાજ્યમાં ઓક્સીજનના ખાલી સિલેન્ડરોની સમસ્યા ઉભી થયેલી છે. દિલ્હીમાં સપ્લાયમાં વધારા બાદ ઉત્તરપ્રદેશમાં લગભગ તમામ જિલ્લામાં ઓક્સિજનની અછત ઊભી થઈ હતી. પંજાબના અમૃતસર અને જાલંધરમાં પણ ઓક્સિજનની અછત સર્જાઇ હતી. છત્તીસગઢમાં પણ આવી સ્થિતિ છે. સરકારે રાજ્યના તમામ 29 ઉદ્યોગોમાંથી ઓક્સિજનની ઔધોગિક પુરવઠા પર રોક લગાવી દીધી છે. માત્ર હોસ્પિટલોને જ તેનો પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે.