મહાભયાનક કોવિડ-19 રોગચાળા સામે લોકોને રક્ષણ આપવા માટે રાષ્ટ્રીય રસીકરણના પ્રયત્નોને ટેકો આપવા હેઇસ ખાતે આવેલા નવનાત સેન્ટરને આગામી ત્રણ મહિના માટે કોઇ જ ખર્ચ લીધા વગર કોમ્યુનિટિ વેક્સીનેશન સેન્ટરમાં બદલવામાં આવ્યું છે. જ્યાં દરરોજ 800થી વધુ લોકોને રસી આપવામાં આવી રહી છે.

નવતર સેન્ટરને હબમાં ફેરવવાની યોજના ડિસેમ્બર 2020માં જ શરૂ થઈ હતી. નવનાત સેન્ટરને સ્થાનિક રસીકરણ કેન્દ્રમાં સેવા તરીકે આપવા પબ્લિક હેલ્થ ફાર્માસિસ્ટ અને નવનાતી વિરલ (સન્ની) દોશી દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. તેમની માતા અને સેન્ટરના ટ્રસ્ટી તથા હૉલ સેક્રેટરી શ્રીમતી હસ્મિતા દોશી, નવનાત વણિક એસોસિએશન (યુકે)ના પ્રમુખ દિલીપ મિથાની, નવનાત સેન્ટરના ટ્રસ્ટીઓ અને વોલંટીયર્સે હિલિંગ્ડન ક્લિનિકલ કમિશનિંગ ગ્રુપ (સીસીજી) અને ધ કન્ફેડરેશન (હિલિંગ્ડનમાં આવેલા 43 જી.પી. પ્રેક્ટિસિસના જૂથ)એ સાથે મળીને રસી આપવા માટે નવનાત સેન્ટરને બધી રીતે સજજ્ કર્યું હતુ.

સ્થાનિક ભારતીય સમુદાય અને પ્રાયમરી કેર દ્વારા કરવામાં આવેલું આ સંયુક્ત કાર્ય સેવાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે અને સુરક્ષિત મફત પાર્કિંગ અને સારી રીતે સંકલિત રસીકરણ સેવાઓની હિલિંગ્ડનના રહેવાસીઓએ દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. એનએચએસ સ્ટાફ અને રસીકરણ કેન્દ્રના સ્વયંસેવકોને નવનાત કમીટી ભોજન – પ્રસાદ પણ પૂરો પાડવામાં આવે છે.

ગયા વર્ષે NVA દ્વારા વિવિધ વિષયો પર ઝૂમ વર્ચ્યુઅલ ઇવેન્ટ્સનું આયોજન કરાયું હતું જેમાં કોવિડ રોગચાળા અને રસીકરણ વિષેની જાગૃતી મુખ્ય હતા. આ સેન્ટર વિશાળ સ્પોર્ટ્સ હોલ અને સુરક્ષિત કાર પાર્ક જેવી ઉત્કૃષ્ટ સુવિધાઓને કારણે તે લોકપ્રિય બનેલ છે.