મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 22 ડિસેમ્બર 2020ના રોજ બ્રિટનથી ફ્લાઇટમાં આવેલા મુસાફરો એરાઇવલ એરિયામાં બેઠા છે. સરકારે યુકે ફ્લાઇટ માટે સોમવારથી રાત્રે 12 વાગ્યાથી નવા નિયમો અમલી બનાવ્યા હતા. (PTI Photo/Kunal Patil)

ભારત સરકારે બ્રિટનથી ભારત આવતા પ્રવાસીઓ માટે કોરોના અંગેના નવા નિયમોની મંગળવારે જાહેરાત કરી હતી. સરકારે જારી કરેલી નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) મુજબ આ પ્રવાસીઓનો આગમન સમયે RT-PCR ટેસ્ટ થશે. નવા લક્ષણો સાથેના કોરોના વાઇરસ માટે પોઝિટિવ આવેલા લોકોને અલગ આઇસોલેશનમાં રાખવામાં આવશે. પોઝિટિવ મુસાફરની સાથે આવેલા પ્રવાસીઓ માટે સંસ્થાકીય ક્વોન્ટાઇન કરવામાં આવશે. બ્રિટનમાં તાજેતરમાં નવા પ્રકારનો કોરોના વાઇરસ ફેલાયો હોવાથી ભારતે આ નવા નિયમો જારી કર્યા છે.

આ નિયમો જારી કરતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે યુરોપિયન સેન્ટર ફોર ડિસીજ કંટ્રોલ (ECDC)ના અંદાજ મુજબ આ નવો વાઇરસ વધુ ચેપી છે અને યુવાન વસતીને ચેપ લગાડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારત સરકારે છેલ્લાં ચાર સપ્તાહ (25 નવેમ્બરથી 23 ડિસેમ્બર) દરમિયાન બ્રિટનથી આવેલા અથવા બ્રિટન થઈને આવેલા તમામ ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સનો આ એસઓપીમાં સમાવેશ કર્યો છે.

આવા તમામ પ્રવાસીઓએ છેલ્લાં 14 દિવસની ટ્રાવેલ હિસ્ટરી જાહેર કરવી પડશે અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું પડશે. તેમના આગમન સમયે RT-PCR ટેસ્ટ થશે. જો પોઝિટિવ આવશે તો સ્પાઇક જિન આધારિત RT-PCR ટેસ્ટ થશે.