પ્રતિકાત્મક તસ્વીર Getty Images)

બાળકોને જન્મ આપવાના મામલે ભારતે એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા UNICEFના જણાવ્યા અનુસાર નવા વર્ષના પહેલા જ દિવસે ભારતમાં 67,385 બાળકોએ જન્મ લઈને એક નવો રેકોર્ડ સર્જી દીધો છે. દુનિયાભરમાં કોઈ પણ દેશમાં અત્યાર સુધી નવા વર્ષના પહેલા જ દિવસે એકસાથે આટલા બાળકો જન્મ્યા નથી.

આ આંકડાઓને જો મિનિટમાં જોઈએ તો વર્ષના પહેલા જ દિવસે એક મિનિટમાં 46.79 એટલે કે લગભગ 47 બાળકો જન્મ્યા છે. આ મામલામાં ભારતે ચીનને પણ પાછળ છોડી દીધું છે. ચીનમાં નવા વર્ષના પહેલા જ દિવસે 46,299 બાળકોએ જન્મ લીધો છે. ત્યારબાદ નાઈજિરિયામાં 26,039, પાકિસ્તાનમાં 16,787, ઈંડોનેશિયામાં 13,020 અને અમેરિકામાં 10,452 બાળકો જન્મ્યા છે.

UNICEFના જણાવ્યા પ્રમાણે નવા વર્ષના પહેલા જ દિવસે કુલ 3,92,078 બાળકોએ જન્મ લીધો છે. નવા વર્ષના પહેલા જ દિવસે જે બાળકનો જન્મ સૌથી પહેલો થયો હતો તે ફિજીમાં જન્મ્યું હતું અને વર્ષના પ્રથમ દિવસના અંતમાં સૌથી છેલ્લું બાળક અમેરિકામાં જન્મ્યું હતું.