New Delhi: Union Finance Minister Nirmala Sitharaman holds a folder-case containing Budget 2022-23 as leaves from the Finance Ministry, North Block, in New Delhi, Tuesday, Feb. 1, 2022. Sitharaman will be presenting her fourth Union Budget in Parliament. (PTI Photo/Kamal Singh) (PTI02_01_2022_000020B)

મંગળવારે (1 ફેબ્રુઆરી) ભારતના નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં દેશનું 2022-23 માટેનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં મોટા ભાગે બધી લાંબા ગાળાની યોજનાઓની મોટી મોટી વાતો સાથે દેશના કરમાળખા કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કોઈ ખાસ જોગવાઈ કે રાહતો નહીં હોવાના કારણે બજેટ નિરસ અને નિરાશાજનક રહ્યું હતું. તેમણે કરેલી મુખ્ય જાહેરાતોમાં ભારતમાં આ વર્ષે દેશની રીઝર્વ બેંક દ્વારા ડિજિટલ ચલણ રજુ કરવા, ઈલેકટ્રિક કે બેટરીથી ચાલતા વાહનો માટે બેટરી સ્વોપિંગ (બેટરીની અદલ બદલ) નીતિ, સામાન્ય કરદાતાઓ માટે આવકવેરાના રીટર્ન ફાઈલ કરવામાં કોઈ ભૂલ – ક્ષતિ રહી ગઈ હોય તો બે વર્ષમાં સુધારેલું રીટર્ન ફાઈલ કરવાની શરતી સુવિધા, કેપિટલ ગેઈન્સ ટેક્સના દરો યથાવત રાખવા અને તેનો સરચાર્જ વધુમાં વધુ 15 ટકા કરવા, મોટી સહકારી સંસ્થાઓને મિનિમમ ઓલ્ટનેટ ટેક્સ (મેટ)માં રાહત સાથે તેનો દર કંપનીઓ માટેના મેટને સમાન કરવા, ક્રિપ્ટો કરન્સી સહિતની ડિજિટલ મિલકતોના વેચાણ ઉપરના નફા ઉપર 30 ટકા ટેક્સ વગેરેનો સમાવેશ થાય છે. આ વર્ષે દેશમાં ફાઈવ – જી મોબાઈલ ટેકનોલોજી રજૂ કરવાની નેમ સાથે એ માટેના સ્પેકટ્રમની હરાજી કરવાની જાહેરાત પણ કરાઈ હતી.

આ બજેટમાં બિનનિવાસી ભારતીયો – એનઆરઆઈઝ માટે પણ કોઈ જ જોગવાઈ, સુવિધા કે રાહતો નથી કરાઈ.
આ વખતે મધ્યમ વર્ગના લોકોને મોટી આશા હતી કે કરવેરાના દરોમાં અથવા તો કરરાહતો મેળવી શકાય તેવા રોકાણોની મર્યાદામાં ફેરફાર કરી નાણાં પ્રધાન તેમના ઉપરનો કરબોજ થોડો હળવો કરશે, પણ એ આશાઓ ઠગારી નિવડી હતી. બેંકોને પણ એવી અપેક્ષા હતી કે કર રાહતને પાત્ર ફિક્સ્ડ ડીપોઝિટ્સની સમયાવધિ ઘટાડીને ત્રણ વર્ષની કરવામાં આવે તો કરદાતાઓ માટે તે થોડો આકર્ષક વિકલ્પ બની શકે, પણ એવું કરાયું નહોતું. મેડીક્લેઈમના પ્રિમિયમ ઉપર કરરાહતની મર્યાદામાં વધારો થવાની પણ ધારણા હતી, પણ વ્યક્તિગત કરવેરાના દરોનો તો તેમણે બજેટમાં ઉલ્લેખ સુધ્ધા કર્યો નહોતો.

એક અન્ય મહત્ત્વની જાહેરાતમાં તેમણે કહ્યું હતું કે, કોઈ વ્યક્તિ કે પેઢી, કંપની ઉપર આવકવેરાના દરોડા પડે અથવા તો સર્ચ અને સરવેની કામગીરી હાથ ધરાય ત્યારે કોઈ બિનહિસાબી કે બે નંબરી આવક પકડાય તો કોઈ નુકશાન કે ખર્ચ સામે તે આવક સરભર નહીં કરાય કે માંડવાળ નહીં કરાય. એવી જ રીતે, ક્રિપ્ટોકરન્સીઝ કે અન્ય ડિજિટલ અસ્કયામતો ઉપરના ટેક્સમાં પણ એ મિલકતો પ્રાપ્ત કરવા જે રકમ ચૂકવાઈ હોય તે સિવાય તે સંબંધિક કોઈ ખર્ચ વગેરેને તેના ઉપરના ટેક્સ માટે ગણતરીમાં લેવાશે નહીં.