ઇઝરાયેલની સાઇબર કંપની એનએસઓ ગ્રૂપનો લોગો REUTERS/Amir Cohen/File Photo

ભારતમાં પેગાસસ જાસૂસીકાંડને કારણે કુખ્યાત બનેલા ઇઝરાયેલના NSO ગ્રૂપને હવે અમેરિકાએ બ્લેકલિસ્ટેડ કંપનીઓની યાદીમાં મૂક્યું છે. ઇઝરાયેલની આ સ્પાયવેર કંપનીએ અમેરિકાની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાની વિરુદ્ધમાં કામ કર્યું હોવાથી બાઇડન વહીવટીતંત્રે આ મોટો નિર્ણય કર્યો છે. આ કંપનીના પેગાસસ સ્પાયવેરથી ભારત સહિત દુનિયાભરના પત્રકારો, નેતાઓ, સેલિબ્રિટીના ફોન ટેપ થયા હતા. ભારતમાં 150 લોકોની જાસૂસી થઈ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

અમેરિકાના વાણિજ્ય મંત્રાલયના આ તારણો ઇઝરાયેલની કંપની માટે એક મોટો ફટકો છે. અમેરિકાનો આ નિર્ણય દર્શાવે છે કે અમેરિકા રાષ્ટ્રીય સુરક્ષા પર આ સ્પાયવેરની અસર અંગે ઘણું જ ચિંતિત છે. ઇઝરાયેલની આ કંપનીનું જાણીતું સ્પાયવેર પેગાસસના નામથી ઓળખાય છે. દુનિયાના ઘણા દેશોની સરકાર બળવાખોરો, પત્રકારો, હરીફો અને ધાર્મિક વડાઓની જાસૂસી કરવા માટે પેગાસસનો ઉપયોગ કરતી હોવાનું માનવામાં આવે છે. બ્રિટનમાં પણ પેગાસસથી ઘણા લોકોની જાસૂસ થઈ હોવાનું માનવામાં આવે છે. ઇઝરાયેલની આ કંપનીના ગ્રાહકોમાં સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ) અને ભારત સહિતના દેશોનો સમાવેશ થાય છે.

બાઇડન સરકારના નિર્ણયથી NSO ગ્રૂપ હવે ચીન અને રશિયાના હેકર્સની યાદીમાં ગણાવશે. ફ્રાન્સના એનજીઓ ફોરબિડન સ્ટોરીઝના સહયોગમાં વિશ્વભરના પત્રકારોના એક કોન્સોર્ટિયમે જાસૂસીના સનસનીખેજ અહેવાલ જારી કર્યાના ત્રણ મહિનામાં અમેરિકાએ NSOને બ્લેકલિસ્ટ કરી છે. કોન્સોર્ટિયમના અહેવાલમાં પર્દાફાશ થયો હતો કે પેગાસસનો ઉપયોગ કરીને સંખ્યાબંધ પત્રકારો, સેલિબ્રિટી, રાજકીય નેતાઓની જાસૂસી થઈ હતી.
આ કોન્સોર્ટિયમના ગાર્ડિયન અને બીજા સભ્યોએ ખુલાસો કર્યો હતો કે ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રો અને તેમની આખી કેબિનેટ સંભવિત જાસૂસીની ટાર્ગેટ હતી.

અમેરિકાના વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકાની વિદેશ નીતિમાં માનવ અધિકારોને કેન્દ્રસ્થાને રાખવાના બાઇડન-હેરિસ વહીવટીતંત્રના પ્રયાસોના એક ભાગ તરીકે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
અમેરિકા તેની વિદેશ નીતિના ભાગરૂપે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ મૂકતા ડિજિટલ સાધનોના ફેલાવાને રોકવા માટે કામગીરી કરે છે.

વાણિજ્ય વિભાગે જણાવ્યું હતું કે એનએસઓ સહિત બીજી ત્રણ કંપનીઓને એન્ટીટી લિસ્ટમાં મૂકવામાં આવી છે, કારણ કે ચોક્કસ તથ્થોને આધારે એ માનવાના પૂરતા કારણો છે કે આ કંપની અમેરિકાની વિદેશ નીતિ કે રાષ્ટ્રીય સુરક્ષાના હિતની વિરુદ્ધમાં સંડોવાયેલી છે અથવા નોંધપાત્ર જોખમ ઊભું કરે છે.

અમેરિકાએ એનએસઓની બ્લેકલિસ્ટ કરતાં હવે તે ચોક્કસ લાઇસન્સ વગર અમેરિકામાંથી પાર્ટ અને કમ્પોનન્ટની ખરીદી કરી શકશે નહીં. તેનાથી અમેરિકા સહિત વિશ્વના દેશોમાં તેના સોફ્ટવેરના વેચાણ પર પણ શંકાના વાદળો ઊભા થયા છે.

વાણિજ્ય વિભાગે જણાવ્યું હતું કે તપાસ આધારિત માહિતીમાં જણાયું છે કે એનએસઓ અને ઇઝરાયેલની બીજી સર્વેલન્સ કંપની કેન્ડીરુ વિદેશી સરકારો માટે સ્પાયવેર વિકસિત કર્યા છે અને સપ્લાય કર્યા છે. વિદેશી સરકારોએ અધિકારીઓ, જર્નાલિસ્ટ્સ, બિઝનેસમેન, સામાજિક કાર્યકર્તા, શિક્ષણવિદો અને એમ્બેસી સ્ટાફને ટાર્ગેટ કરવા માટે આ સ્પાયવેરનો ઉપયોગ કર્યો છે.