યુકેના નાણાપ્રધાન ઋષિ સુનકે 4 નવેમ્બર 2021ના રોજ લંડનમાં મહાત્મા ગાંધીની યાદમાં એક સિક્કો જારી કર્યો હતો. (PTI Photo)

યુકેએ દિવાળીના ઉત્સવ નિમિત્તે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન અને વારસાની યાદમાં 5 પાઉન્ડનો ખાસ સિક્કો જારી કર્યો છે. ભારતની આઝાદીના લડવૈયા ગાંધીજીના જીવન અને વારસાની યાદમાં પ્રથમ વખત બ્રિટનના સ્પેશ્યલ કલેક્ટર્સ સિક્કામાં ગાંધીને સ્થાન આપવામાં આવ્યું છે, એવી યુકેના નાણાપ્રધાન ઋષિ સુનકે ગુરુવારે જાહેરાત કરી હતી. આ સિક્કા લક્ષ્મીમાતાની ચિત્ર સાથેના ગોલ્ડ બાર સાથે વેચાણ થશે.

આ ગોળકાર સિક્કામાં ભારતના રાષ્ટ્રીય ફૂલ કમળ તથા ગાંધીના પ્રખ્યાત અવતરણ “મારુ જીવન એ જ મારો સંદેશ”નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિક્કો રોયલ મિન્ટના ખાસ કલેક્શનનો એક ભાગ છે. ભારતની આઝાદી માટે અહિંસક આંદોલન કરનારા આ મહાનમાનવની યાદમાં બ્રિટનમાં પ્રથમ વખત સત્તાવાર કોઇન જારી કરવામાં આવ્યો છે.

નાણાપ્રધાન સુનકે જણાવ્યું હતું કે એક હિન્દુ તરીકે મને દિવાળીના પર્વ દરમિયાન આ સિક્કો જારી કરવાનો ગર્વ છે. મહાત્મા ગાંધી ભારતની આઝાદીના આંદોલનના મુખ્ય લડવૈયા હતા અને પ્રથમ વખત તેમની જીવનસિદ્ધીની યાદમાં યુકેમાં સિક્કો જારી કરવાની વાત અસાધારણ છે.

પાંચ પાઉન્ડનો આ સિક્કો સોના અને ચાંદીથી બનેલો છે અને તે સત્તાવાર ચલણનો દરજ્જો ધરાવે છે. જોકે તે સામાન્ય ચલણ તરીકે ઉપયોગ માટે નથી. આ સિક્કાનું ગુરુવારે દિવાળીના દિવસથી વેચાણ ચાલુ થશે. તેની સાથે 1 ગ્રામ (0.035 ઓંશ) અને 5 ગ્રામ (0.18 ઔંશ)ના ગોલ્ડ બાર્સ પણ હશે. હિન્દુ દેવી લક્ષ્મીમાતાના ચિત્ર સાથે તે યુકેનો પ્રથમ ગોલ્ડ બાર હશે.

બ્રિટનમાં જીવનના તમામ ક્ષેત્રોમાં લઘુમતી સમુદાયના યોગદાનને રજૂ કરવાના અભિયાનના ભાગરૂપે સુનકે ગયા વર્ષે “ડાઇવર્સિટી બિલ્ટ બ્રિટન” 50 પેનીનો સિક્કો જારી કર્યો હતો. બ્રિટનના વૈવિધ્યપૂર્ણ ઇતિહાસની ઉજવણી કરતાં આશરે 1 કરોડ સિક્કા ઓક્ટોબર 2020માં ચલણમાં મૂકવામાં આવ્યા હતા.