AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

ઓલ ઇન્ડિયા મજસિલે ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ યુપીની પોલીસને ખુલ્લી ધમકી આપતા મોટો વિવાદ ઊભો થયો હતો. યુપીમાં ચૂંટણી પહેલા એક સભાને સંબોધતા ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સામે અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હતો.

સભાને સંબોધતા ઓવૈસીએ યુપી પોલીસને ધમકી આપતા જણાવ્યું હતું કે હું પોલીસ અધિકારીઓને આ હકીકત યાદ અપાવવા માગું છું કે યોગી અને પીએમ મોદી હંમેશા રહેવાના નથી. અમે મુસ્લિમો સમયની જરૂરિયાત મુજબ ચુપ છીએ, પરંતુ યાદ રાખશો અમે તમારા અત્યાચાર ભુલીશું નહીં. અમે તમારા અત્યાચારને યાદ રાખીશું. અલ્લાહ તેમની તાકાતથી તમને નેસ્તનાબૂદ કરશે. સ્થિતિઓ બદલશે, ત્યારે તમને બચાવવા કોણ આવશે? યોગી મઠમાં જશે અને મોદી પહાડોમાં જશે, ત્યારે તમને બચાવવા કોણ આવશે

ઓવૈસીની આ ધમકીની તીખી પ્રતિક્રિયા આપતા ભાજપના રાષ્ટ્રીય પ્રવકતાએ જણાવ્યું હતું કે ઔરંગઝેબ અને બાબર જેવા લોકો દેશમાં અત્યાચાર કરવા આવશે ત્યારે મહારાણા પ્રતાપ, શિવાજી, યોગી અને મોદી જેવા વીરોનો જન્મ થશે.
પીએમ મોદી અને સીએમ યોગી સામેની ઓવૈસીની ટીપ્પણીનો વિરોધ કરતાં ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે હૈદરાબાદના એમપી એક સાંસદ છે અને ગેરબંધારણીય ટીપ્પણી કરવી જોઇએ નહીં. ચૂંટણી પંચે ઓવૈસીની ટીપ્પણીની નોંધ લઈને તેમની સામે પગલાં લેવા જોઇએ.