આ વર્ષે એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાવાની છે, તેના આયોજનનો હક પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને છે. પણ ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાની મેચ પાકિસ્તાનમાં નહીં રમવાનું વલણ સ્પષ્ટ રીતે જાહેર કરી દીધા પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અહેસાન મણીએ ગયા સપ્તાહે એવા સંકેતો આપ્યા હતા કે ટુર્નામેન્ટનું આયોજન કરવાનો પોતાનો હક પડતો મુકવા પીસીબી તૈયાર છે.
ભારતીય ક્રિકેટ બોર્ડે પીસીબીને જણાવી દીધું હતું કે, પીસીબીએ ટુર્નામેન્ટમાં ભારતની જે મેચ હોય તે કોઈક ત્રીજા દેશમાં (ન્યૂટ્રલ વેન્યુ) યોજવા જણાવ્યું હતું. પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) ક્રિકેટ સ્પર્ધાના આરંભના પ્રસંગે અહેસાન મણીએ આવો સંકેત આપ્યો હતો. આ મુદ્દે એશિયન ક્રિકેટ કાઉન્સિલની આગામી બેઠકમાં ચર્ચા થવાની છે. 2016માં પીએસએલ શરૂ થયા પછી આખી ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં જ રમાવાની હોય તેવો આ વર્ષે પહેલો પ્રસંગ છે. મણીએ એવું કહ્યું હતું કે, એશિયન ક્રિકેટ કાઉન્સિલના તમામ હિતધારકોના મંતવ્ય જાણ્યા પછી એશિયા કપ 2020 ક્યાં યોજવી તેનો નિર્ણય લેવાશે. અમારે એ વાતની પણ કાળજી લેવાની છે કે, એસોસિએટ મેમ્બર્સની કમાણી ઉપર વિપરિત અસર થાય નહીં. આમાં પૂર્ણ કક્ષાના મેમ્બર્સ કરતાં એસોસિએટ મેમ્બર્સના હિતો વધારે અગત્યના છે. કાઉન્સિલની આગામી બેઠક માર્ચ મહિનામાં યોજાશે.
અા અગાઉ, પીસીબીના ચીફ એક્ઝીક્યુટીવ વસિમ ખાને તો એવું કહ્યું હતું કે, પાકિસ્તાનમાં યોજાનારી એશિયા કપ ટુર્નામેન્ટમાં રમવા ભારત પોતાની ટીમ અહીં મોકલે નહીં તો, 2021માં ભારતમાં યોજાનારી ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધાનો પાકિસ્તાન બહિષ્કાર કરશે. જો કે, પાછળથી તેણે ફેરવી તોળતાં જણાવ્યું હતું કે, તેની ટીપ્પણીઓને મીડિયાએ અયોગ્ય સંદર્ભમાં રજૂ કરી હતી. યજમાન કોણ બનશે તેનો નિર્ણય કરવાનો અધિકાર પીસીબી કે આઈસીસીનો નથી, એસીસીનો છે.
2018માં એશિયા કપ ભારતમાં યોજાવાનો હતો, પણ ભારતીય ક્રિકેટ બોર્ડ પાકિસ્તાની ટીમને વીસા મળશે તેવી ખાતરી આપી શક્યું નહોતું અને તેથી ટુર્નામેન્ટ યુનાઈટેડ આરબ અમિરાતમાં યોજાઈ હતી. 2012-23 પછી ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ્સ એકબીજાના દેશમાં ભારત-પાકિસ્તાન સીરીઝ રમવા ગઈ નથી.
બન્ને દેશો વચ્ચેના રાજકીય સંબંધો તંગ હોવાના કારણે 2013 પછી બન્ને ટીમ્સ ફક્ત મહત્ત્વની આઈસીસી ટુર્નામેન્ટ્સમાં જ એકબીજા સામે રમી છે.