ભારત-ઈંગ્લેન્ડની હેડિગ્લીમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય વિકેટકીપર ઋષભ પંતે બીજી ઈનિંગમાં પણ સતત બીજી સદી કરી એક ઐતિહાસિક, વિશિષ્ટ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. પંતે પ્રથમ ઈનિંગમાં 134 રન અને બીજી ઈનિંગમાં 118 રન કર્યા હતા.
ભારત તરફથી કોઈપણ વિકેટકીપર બેટરે ટેસ્ટ મેચની બન્ને ઈનિંગમાં હજી સુધી સદી કરી નહોતી, તે ઐતિહાસિક રેકોર્ડ પંતે પોતાના નામે કર્યો છે. આ ઉપરાંત, ઈંગ્લેન્ડમાં કોઈપણ વિદેશી ટીમના વિકેટકીપર બેટરની સૌથી વધુ ટેસ્ટ સદીનો રેકોર્ડ પણ પંતે તેના નામે કર્યો છે. પંતની ઈંગ્લેન્ડમાં આ ચોથી ટેસ્ટ સદી છે.
આ ઉપરાંત, પહેલી ઈનિંગની સદી સાથે જ પંત ટેસ્ટ મેચમાં ભારત તરફથી વિકેટકીપર બેટરની સદીમાં પણ ધોનીથી આગળ નિકળી જઈ પ્રથમ ક્રમે પહોંચ્યો હતો. ઋષભની પહેલી ઈનિંગની સદી તેની ટેસ્ટ કારકિર્દીની સાતમી સદી હતી, એ સાથે તેણે ધોનીનો છ ટેસ્ટ સદીનો રેકોર્ડ પણ તોડ્યો હતો.
આ ઉપરાંત, ઈંગ્લેન્ડમાં સતત પાંચ ટેસ્ટ ઈનિંગમાં 50થી વધુ રનનો સ્કોર કરનારા દુનિયાના ગણતરીના બેટર્સની પંગતમાં પંત હવે પહોંચી ગયો છે. આવી સિદ્ધિ હાંસલ કરી ચૂકેલા અન્ય બેટર્સમાં સર ડોન બ્રેડમેન, હાન્સી ક્રોનિયે, શિવનારાણય ચંદ્રપૌલ, કુમાર સંગાકારા અને ડેરીલ મિચેલનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવન સ્મિથના નામે ઈંગ્લેન્ડમાં સતત સાત ટેસ્ટ ઈનિંગમાં 50થી વધુ રનનો રેકોર્ડ છે.
પંતે ત્રીજા દિવસની રમતમાં પ્રસિદ્ધ ક્રિશ્નાની બોલિંગમાં પોપનો કેચ લીધાની સાથે ટેસ્ટ કારકિર્દીમાં 150 કેચ પૂરા કર્યા હતા. આ સાથે તે સૌથી વઘુ કેચ ઝડપનારા ભારતીય વિકેટકિપરોમાં ધોની (256 કેચ) અને સૈયદ કિરમાણી (160 કેચ) પછી ત્રીજા ક્રમે છે.
