(Photo by PRAKASH SINGH/AFP/GettyImages)

યુવા અભિનેત્રી પરિણીતી ચોપરા નવા વર્ષમાં નવા ફિલ્મી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. તેનું ગત વર્ષ પણ ખૂબ સરસ વિત્યું હતું. પરિણીતીએ કહ્યું હતું કે, ‘હવે ફિલ્મો પસંદ કરવાની મારી હિમ્મતમાં વધારો થયો છે.’ પરિણીતીએ ખુબ લાંબો સમય વિરામ લીધા પછી ફરીથી કામ કરવાનું શરૂ કર્યુ હતું. આ સમયમાં તેણે ઘણી સારી ફિલ્મો આપી છે.

તે કહે છે હું જે ઘણા લાંબા સમયથી રાહમાં હતી એ બધું મને ગયા વર્ષે પ્રાપ્ત થયું છે. મેં સંદીપ ઔર પિંકી ફરાર, ધ ગર્લ ઓન ધ ટ્રેન અને સાઇના જેવી ફિલ્મો પસંદ કરીને ખૂબ જ મોટું જોખમ લીધું હતું. પણ મને ખુશી છે કે દર્શકોએ મારી આ દરેક ફિલ્મને પસંદ કરી હતી. ગત વર્ષને કારણે મને અહેસાસ થયો કે લોકો મારી પાસેથી અનોખી ફિલ્મો જોવાનું પસંદ કરે છે અને હું પણ તેમની સાથે સહમત છું. કોઈ પણ ફિલ્મને પસંદ કરવામાં મારો જે વિશ્વાસ છે તેમાં ગયા વર્ષને કારણે વધારો થયો છે અને એથી હું અનોખી રીતે એને પરદા પર દેખાડવાનો સતત પ્રયાસ કરતી રહીશ. હું મારી જાતને નસીબદાર પણ સમજુ છું કે પ્રોડ્યુસર્સ-ડાયરેક્ટર્સ અને ચાહકો પણ મને પસંદ કરી રહ્યા છે.