ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની 16 જાન્યુઆરી 2018ની બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાના તત્કાલિન કેપ્ટન પ્લેસિસ અને ભારતના તત્કાલિન પાર્થિવ પટેલ રમી રહ્યાં છે. (Photo by Sydney Seshibedi/Gallo Images/Getty Images)

2002માં 17 વર્ષ અને 153 દિવસની ઉંમરે ડેબ્યૂ કરીને પાર્થિવ પટેલ ટેસ્ટમાં સૌથી ઓછી ઉંમરનો વિકેટકીપર બન્યો હતો. કેરિયરની શાનદાર શરૂઆત પછી 2004માં દિનેશ કાર્તિક અને મહેન્દ્ર સિંહ ધોનીને તક મળતા ટીમમાંથી પાર્થિવે ધીમે ધીમે સ્થાન ગુમાવ્યુ. તેણે પોતાની પહેલી રણજી ટ્રોફી રમ્યા પહેલા જ ટેસ્ટ ક્રિટેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. નવેમ્બર 2004માં અમદાવાદમાં તે પહેલી રણજી ટ્રોફી મેચ રમ્યો હતો.

રણજી ટ્રોફીના ઇતિહાસમાં 100 કે તેથી વધુ મેચ રમનારા ભારતના ઘણા ક્રિકેટર છે પરંતુ ગુજરાતની ટીમમાંથી રમ્યા હોય તેવો પાર્થિવ પ્રથમ ક્રિકેટર છે. આ ઉપરાંત પાર્થિવ પટેલ તેની તમામ મેચ એક જ એટલે કે ગુજરાતની ટીમમાંથી રમ્યો છે, જ્યારે અન્ય ખેલાડીઓમાંથી મોટાભાગના એકથી વધુ ટીમ તરફથી રમ્યા છે.

પાર્થિવ પટેલ બીજી પણ ઘણી બાબતોમાં ગુજરાતનો પ્રથમ ક્રિકેટર છે. આઇપીએલમાં પણ રમનારો તે ગુજરાતનો પ્રથમ ક્રિકેટર હતો. તેની સૌથી મહાન સિદ્ધિ 2017ના જાન્યુઆરીમાં નોંધાઈ હતી, ગુજરાતને રણજી ટ્રોફીમાં ચેમ્પિયન તે ટીમનો સુકાની પાર્થિવ હતો. ગુજરાત 1934-35થી રણજી ટ્રોફી રમી રહ્યું હતું. 1951ને બાદ કરતાં ગુજરાત ક્યારેય ફાઇનલમાં પ્રવેશી શક્યું ન હતું. 2017ની 14મી જાન્યુઆરીએ ઇન્દોરમાં મુંબઈ જેવી ચેમ્પિયન ટીમને હરાવી ગુજરાતે રણજી ટ્રોફીનો તાજ મેળવ્યો હતો. પાર્થિવની આગેવાની હેઠળ ગુજરાતે વન-ડેમાં વિજય હઝારે ટ્રોફી અને ટી20માં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી પણ હાંસલ કરી હતી.