પ્રતિકાત્મક તસવીર (istockphoto)

જુગારના દેવા માટે હજારો પાઉન્ડની ચોરી કરી “વ્યવસાયને બદનામ કરવા” માટે નોટિંગહામ સ્થિત ફાર્માસિસ્ટ પીટર સમેહ સાદ (33)ને 21 મહિનાની જેલ કરવામાં આવી હતી અને તેનુ નામ જનરલ ફાર્માસ્યુટિકલ કાઉન્સિલ (GPhC) રજિસ્ટરમાંથી કાઢી નાંખવામાં આવ્યું હતું.

સાદે જૂઠ્ઠાણાનું જાળું બનાવ્યું હતું અને તેના વ્યસન માટે ભંડોળ પૂરું પાડવા સપ્ટેમ્બર 2018 અને મે 2019 વચ્ચે કુલ £536,689.95ની ત્રણ છેતરપિંડી પોતાના મિત્ર સાથે કરી હતી.

સૌપ્રથમ, તેણે એક મિત્ર પાસેથી લગભગ £288,200 લઇ જણાવ્યું હતું કે યુ.એસ.માં તેની નવી ખરીદેલી ફાર્મસી વિઝાના મુદ્દાઓને લઈને સત્તાવાળાઓ દ્વારા “જપ્ત” કરવામાં આવી હતી અને તેને મોરગેજ ભરવામાં તકલીફ પડે છે. બાદમાં સાદે તે જ મિત્ર પાસેથી કેન્સરના બહાને ખાનગી સારવાર વિશે જૂઠું બોલીને કુલ £127,150 મેળવ્યા હતા. છેલ્લે તેણે ‘ફાર્માસ્યુટિકલ વેરહાઉસ’ સ્થાપવા એક કંપની પાસેથી વધુ £121,339.95 કાઢ્યા હતા. જે મિત્ર તેમાં ચીફ એક્ઝિક્યુટિવ હતો.

વેરહાઉસના બાંધકામની પ્રગતિ ચકાસવા માટે તે મિત્રએ તપાસ કરતા સાદના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો હતો. સાદના પિતાએ પણ તે મિત્રનો સંપર્ક કરી સાદના અમેરિકાનો બિઝનેસ, કેન્સર વગેરે વાતો ખોટી હોવાનું જણાવ્યું હતું.