(Photo by Kin Cheung - WPA Pool/Getty Images)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં ન્યુ યોર્ક શહેરમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક માટે અમેરિકાની મુલાકાત લે તેવી અપેક્ષા છે. મહાસભાના 80મા સેશનની આ ઉચ્ચ-સ્તરીય ચર્ચા માટે વક્તાઓની કામચલાઉ યાદી અનુસાર, ભારતના “સરકારના વડા” 26 સપ્ટેમ્બરની સવારે સત્રને સંબોધિત કરશે.તે જ દિવસે ઇઝરાયલ, ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વડાઓ પણ યુએનજીએની સામાન્ય ચર્ચાને સંબોધિત કરવાના છે.સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભાગ લેશે. તેથી અમેરિકામાં મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થાય તેવી પ્રબળ સંભાવના છે. જોકે બંને પક્ષો દ્વારા હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ વિવાદ ચાલે છે ત્યારે વડાપ્રધાન મોદી અમેરિકાની મુલાકાત લે તેવી શક્યતા છે. UNGA ની આ બેઠક 23થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, જ્યારે છેલ્લા દિવસની કાર્યવાહી 29 સપ્ટેમ્બર 2025 ના રોજ યોજાશે. આ સંભવિત મુલાકાત દરમિયાન  મોદી ઘણા વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોમાં પણ ભાગ લઈ શકે છે. સૂત્રોનું માનીએ તો વડાપ્રધાન મોદીની યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે મુલાકાત નિશ્ચિત માનવામાં આવે છે.

આ ઉપરાંત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત મુલાકાતની ચર્ચા છે, જોકે બંને પક્ષો દ્વારા હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. વડાપ્રધાન કાર્યાલય (PMO) કે વિદેશ મંત્રાલયે હજુ સુધી આ મુલાકાતની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હોવાની ચર્ચા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની આ ઉચ્ચ-સ્તરીય સામાન્ય ચર્ચા માટે વિશ્વભરના નેતાઓ ન્યૂયોર્ક પહોંચશે.

LEAVE A REPLY