ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિના અંતમાં અમેરિકાના પ્રવાસે જાય તેવી પ્રબળ સંભાવનાઓ છે. સમાચાર સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રવાસની તૈયારીઓ થઇ રહી છે, જોકે હજુ સુધી અંતિમ કાર્યક્રમ તૈયાર થયો નથી. કહેવાય છે કે, વડાપ્રધાન મોદી 23-24 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાત લે તેવી સંભાવના છે.
છેલ્લે વર્ષ 2019માં વડાપ્રધાન મોદીએ અમેરિકાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મોદી અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હ્યુસ્ટનમાં સ્થાનિક ભારતીયોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાનની અમેરિકાની મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્યારે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકો પરત આવ્યા પછી તાલિબાન સાથેના સંબંધો અંગે અનિશ્ચિતતા ઊભી થઇ છે. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડન સાથે વડાપ્રધાન મોદીની આ પ્રથમ વ્યક્તિગત મુલાકાત યોજાશે.
વોશિંગ્ટનની મુલાકાત પછી વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની વાર્ષિક મીટિંગ હાજરી આપશે. વડાપ્રધાન મોદી 25 સપ્ટેમ્બરે તેમાં સંબોધન કરે તેવી સંભાવના છે. આ વર્ષે જાન્યુઆરીમાં જો બાઈડન અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા પછી વડાપ્રધાન મોદીનો આ પ્રથમ અમેરિકાનો પ્રવાસ હશે. આ પહેલાં વર્ચ્યુઅલ રીતે બંને નેતાઓ વચ્ચે QUAD અને G-7 બેઠકોમાં મુલાકાત થઈ ચૂકી છે. વોશિંગ્ટનમાં મીડિયા સાથે ચર્ચામાં ફોરેન સેક્રેટરી હર્ષવર્ધન શ્રૃંગલાએ સંકેત આપ્યા હતા કે QUAD દેશો (ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા)ની પણ બેઠક મળી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા, અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનનાં પગલાં પર ધ્યાન કેન્દ્રીય કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી અમેરિકામાં ભારતીય મૂળનાં વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરીસ સાથે પણ મુલાકાત કરે તેવી સંભાવના છે.