હાર્દિક પટેલ (Photo by SAJJAD HUSSAIN/AFP via Getty Images)

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સહિતના કેટલાંક પાટીદાર નેતાઓ માગણી કરી છે કે રાજ્ય સરકાર પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારો સામે કરવામાં આવેલા પોલીસ કેસો પાછા ખેંચી લે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને પાટીદાર સામેના કેસો પાછા ખેંચવા આ માંગ કરવામાં આવી છે. જેમાં એવો આક્ષેપ કર્યો છે કે, ખુદ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે આદેશ કર્યો હતો તેમ છતાંય પાટીદારો સામે પોલીસ કેસ પાછા ખેચવામાં આવ્યા નથી.

અનામત આંદોલન વખતે ૪૦૦થી વધુ ગુના નોંધવામાં આવ્યા હતાં. આજે કેટલાંય પાટીદાર યુવાઓ સામે કેસ ચાલી રહ્યા છે. હાર્દિક પટેલ સામેજ રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો છે. થોડાક વખત અત્યારે ૨૦૦થી વધુ કેસો ચાલી રહ્યા છે. પદમાવતી ફિલ્મના વિરોધમાં થયેલાં આંદોલન વખતે કરણીસેના વિરુધ્ધ પોલીસ કેસો નોંધવામાં આવ્યા હતાં તે પૈકી મોટાભાગના કેસો પાછા ખેંચવામાં આવ્યા છે તો પછી પાટીદારો સાથે અન્યાય કેમ.  ત્રણ વર્ષ પહેલાં  ૪૩૮ પોલીસ કેસ પાછા ખેંચવા સરકારે પાટીદાર નેતાઓ સાથે બેઠક યોજી હતી તેવો ઉલ્લેખ કરતાં તેમણે વધુમાં જણાવ્યું કે, આ બેઠકમાં સરકારે પોલીસ કેસ પાછા ખેંચવા વચન આપ્યુ હતું તે વચન હજુ સરકારે પૂર્ણ કર્યુ નથી. પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ૨૯મી જુલાઇ,૨૦૧૬માં કેસો પાછા ખેચવા આદેશ કર્યો હતો. ૪૩૮ કેસો પૈકી ૩૯૧ કેસો પાછા ખેંચવા નિર્ણય લેવાયો હતો.