એનિમલ

બોલીવૂડમાં યુવા ચોકલેટી અભિનેતા તરીકે જાણીતા રણબીર કપૂર અને સંદીપ રેડ્ડી વાંગાની નવી ફિલ્મ ‘એનિમલ’ ફરી થિએટરમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ભારતમાં રિલીઝ થઈ એના બે વર્ષ પછી 13 ફેબ્રુઆરીએ હવે જાપાનમાં ‘એનિમલ’ રિલીઝ થઈ રહી છે.
આ ફિલ્મના પ્રોડક્શન હાઉસ ભદ્રકાલી ફિલ્મ્સે જાપાનમાં રિલીઝ કરવા માટે ફિલ્મનું એક ખાસ પોસ્ટર ડિઝાઇન કર્યું છે, જે સોશિયલ મીડિયા એક્સ (ટ્વિટર)પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં રણબીર કપૂર રનવિજય સિંઘ અવતારમાં જોવા મળે છે. તેને જાપાનીઝમાં ટૅગ લાઇન આપવામાં આવી છે, ‘આ વ્યક્તિને કોઈ અટકાવી શકતું નથી.’ આ ફિલ્મને ભારતની સૌથી વધુ યાદગાર સિનેમેટિક એક્સ્પિરિયન્સ માનવામાં આવી છે.
એનિમલને ડિસેમ્બર 2023માં ભારતમાં રિલીઝ કરવામાં આવી હતી અને બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. એ વખતે આ ફિલ્મે ભારતમાં રૂ. 553 કરોડ અને વૈશ્વિક ક્ષેત્રે રૂ. 915 કરોડની કમાણી કરી હતી. આ સાથે આ ફિલ્મ ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની ગઈ હતી. ત્યારે હવે જાપાનમાં રિલીઝ સાથે આ ફિલ્મ પાસે ફરી એક વખત 1000 કરોડની કમાણીનો રેકોર્ડ બનાવવાની તક છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં જાપાનમાં ભારતીય ફિલ્મોને સારો પ્રતિસાદ મળ્યો છે. આરઆરઆર ફિલ્મે 150 કરોડની કમાણી કરી હતી, કેજીએફ ચેપ્ટર 2ને પણ ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના, અનિલ કપૂર, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી જેવા કલાકારો મહત્વના રોલમાં છે. આ ફિલ્મના હિંસાત્મક દૃશ્યો અને સ્ટોરીના કારણે પણ ઘણી ચર્ચામાં રહી હતી.

LEAVE A REPLY