સિંગાપોરની સંસદમાં ભારતીય મૂળના બે વ્યક્તિની ટૂંક સમયમાં સંસદ સભ્ય તરીકે નિયુક્તિ કરાશે. આ બંને ભારતીયોએ સ્થાનિક સમુદાય અને સમાજમાં નોંધનીય યોગદાન આપ્યું હોવાથી તેમની આ પદ માટે પસંદગી કરવામાં આવી હતી. ચેનલ ન્યૂઝ એશિયાના રીપોર્ટમાં જણાવ્યા મુજબ, પ્રેસિડેન્ટ થરમન શનમુગારત્નમ દ્વારા નોમિનેટેડ મેમ્બર ઓફ પાર્લામેન્ટ (NMP) તરીકે જાહેર કરાયેલા નવ નામોમાં આ બંનેનો સમાવેશ થાય છે અને તેઓ 8 જાન્યુઆરીએ સંસદની બેઠકમાં શપથ લેશે. નેશનલ યુનિવર્સિટી પોલીક્લિનિક્સના ફેમિલી ફીઝિશિયન ડૉ. હરેશ સિંગારાજુ અને એમલગેમેટેડ યુનિયન ઓફ પબ્લિક એમ્પ્લોયીઝના જનરલ સેક્રેટરી સંજીવકુમાર તિવારીના નામનો NMPમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ચેનલના જણાવ્યા મુજબ, સંસદની ક્લાર્ક ઓફિસ દ્વારા આ નામો જાહેર કરવામાં આવ્યા હતા.













