ભારતમાં સતત વધતી મોંઘવારી, યુક્રેન પર રશિયાના આક્રમણ જેવા વૈશ્વિક પરિબળો વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ (આરબીઆઈ)એ નાણાં નીતિની સમીક્ષા માટેની સતત 11મી બેઠકમાં રેપોરેટ તથા રિવર્સ રેપોરેટ યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે આરબીઆઈએ વર્તમાન નાણાકીય વર્ષ માટે ફુગાવાના અંદાજમાં વધારો કર્યો હતો જ્યારે આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો હતો. આરબીઆઈના આ નિર્ણયનો અર્થ છે કે દેશમાં આગામી સમયમાં મોંઘવારી વધશે જ. મોંઘવારીનું દબાણ એટલું વધી ગયું છે કે આરબીઆઈએ તેના અંદાજોમાં ફેરફાર કરવો પડ્યો છે.
વર્તમાન નાણાકીય વર્ષ 2022-23 માટેની નાણાં નીતિની સમીક્ષા બેઠક પછી ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, મોંઘવારી આપણા અર્થતંત્ર માટે સૌથી મોટું જોખમ બની છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ, ખાવાનું તેલ, કોમોડિટી સહિત અન્ય બધી જ જરૂરી વસ્તુઓના ભાવમાં વધારાની અસરના કારણે ભારતના આર્થિક સુધારા જોખમમાં મુકાયા છે. વર્તમાન નાણાંકીય વર્ષ માટે આરબીઆઈની નાણાં નીતિની પ્રથમ દ્વીમાસિક બેઠકમાં 6 સભ્યોની એમપીસીએ 4 ટકા રેપો રેટ તથા ૩.35૩૫ ટકા રિવર્સ રેપો રેટ જાળવી રાખવાનો સર્વાનુમતે નિર્ણય લીધો હતો.