બે વર્ષના કપરા કોરોનાકાળ પછી ભારતમાં અર્થતંત્ર વેગ પકડી રહ્યું છે. દેશની સારી આર્થિક સ્થિતિની અસર સરકારની આવક પર પણ જોવા મળી છે. નાણાકીય વર્ષ 2021-22માં દેશની કુલ ટેક્સની આવક ઐતિહાસિક 27.07 લાખ કરોડ પર પહોંચી છે. વાર્ષિક રીતે ટેક્સની આવકમાં 34 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે, સરકાર દ્વારા બજેટમાં અંદાજિત કરેલ 22.17 લાખ કરોડના આંકડા કરતા વાસ્તવિક કર વસૂલી પાંચ લાખ કરોડ વધુ છે. સરકારને આ ટેક્સની આવક કોર્પોરેટ ટેક્સ, કસ્ટમ ડ્યુટી અને જીએસટી દ્વારા પ્રાપ્ત થઇ છે. પ્રત્યક્ષ ટેક્સની આવક વાર્ષિક ધોરણે 49 ટકા અને અપ્રત્યક્ષ ટેક્સની આવકમાં 30 ટકાનો વધારો થયો છે તેમ સરકારે જણાવ્યું છે.