(PTI Photo/Shailendra Bhojak)

ભારતના વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતે શ્રીલંકા સામે બેંગલુરુમાં શ્રીલંકા સામેની બીજી,  ડે-નાઈટ ટેસ્ટ મેચની ભારતની બીજી ઈનિંગમાં ફક્ત ૨૮ બોલમાં અડધી સદી ફટકારી મહાન ઓલરાઉન્ડર કપિલ દેવનો ૪૦ વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો હતો. પંત હવે ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી ઝડપી અડધી સદી કરનારો બેટ્સમેન બન્યો છે. વિકેટ કીપર બેટ્સમેન તરીકે સૌથી ઝડપી અડધી સદીનો તો પંતે વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.

કપિલ દેવે ૧૯૮૨માં પાકિસ્તાન સામે કરાચી ટેસ્ટમાં ૩૦ બોલમાં અડધી સદી કરી હતી.

શ્રીલંકા સામેની બીજી બેંગલુરૂ ટેસ્ટમાં પંતે બીજી ઈનિંગમાં પણ પ્રથમ ઈનિંગની જેમ જ આક્રમક બેટીંગ કરી સાત ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૩૦ બોલમાં ૫૦ રન કર્યા હતા. જો કે, અડધી સદીએ પહોંચ્યા પછીના બીજા જ બોલે જયાવિક્રમાએ તેનો વળતો કેચ પોતાની જ બોલિંગમાં ઝડપી લીધો હતો. કપિલ દેવે ૧૯૮૨માં કરાચીમાં શ્રેણીની બીજી ટેસ્ટમાં સાતમા ક્રમે બેટીંગમાં ઉતરીને ૫૩ બોલમાં ૧૨ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૭૩ રન કર્યા હતા. યોગનુંયોગ કપિલ પણ તે ઈનિંગમાં સરફરાઝ નવાઝના હાથે કોટ એન્ડ બોલ્ડ થયો હતો. ભારત તરફથી ફાસ્ટેસ્ટ ફિફ્ટીમાં ત્રીજા ક્રમે શાર્દૂલ ઠાકુર છે. તેણે ૨૦૧૨ની ઓવલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ૩૧ બોલમાં અડધી સદી નોંધાવી હતી. વિરેન્દ્ર સેહવાગે ૨૦૦૮ની ચેન્નાઈ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ૩૨ બોલમાં અડધી સદી નોંધાવી હતી.

પંતે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકિપર તરીકે ફાસ્ટેસ્ટ અડધી સદીનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. તેણે ન્યુઝીલેન્ડના ઈયાન સ્મિથનો ૩૪ બોલમાં અડધી સદીનો રેકોર્ડ તોડયો હતો. સ્મિથે ૧૯૯૦માં પાકિસ્તાન સામે આ સિદ્ધિ મેળવી હતી. ધોનીએ પણ ૨૦૦૬માં પાકિસ્તાન સામે ૩૪ બોલમાં અડધી સદી ફટકારી હતી.