તાજેતરમાં બહાર પડાયેલા રેસ રિપોર્ટના શ્યામ લેખક ડો. ટોની સીવેલની તુલના એડૉલ્ફ હિટલરના પ્રોપેગેન્ડા ચિફ જોસેફ ગોબેલ્સ સાથે અને રેસ રિપોર્ટને ‘સખત’ અને ‘એક પ્રચાર દસ્તાવેજ’ ગણાવી કેમ્બ્રીજના એકેડેમિક પ્રોફેસર પ્રિયંવદા ગોપાલે ગયા અઠવાડિયે હંગામો મચાવ્યો હતો. તેમણે રોયલ્સના સંબંધો ગુલામી સાથે હોવાનો પણ દાવો કર્યો હતો.

તેમણે ગુલામી સાથેના ‘સંબંધો’ વિશે વાત ન કરવા બદલ શાહી પરિવારની આકરી ટીકા કરી રોયલ ફેમિલીને એક ‘વ્હાઇટ’ સંસ્થા ગણાવી હતી, જેણે બ્રિટીશ સામ્રાજ્યમાંથી લાભ મેળવ્યો હતો.

કેમ્બ્રીજના ચર્ચિલ કોલેજમાં પોસ્ટકોલોનીઅલ સ્ટડીઝના પ્રોફેસર ડૉ. ગોપાલે કમિશન ઓન રેસ એન્ડ એથનિક ડિસ્પેરીટીઝના વડા ડો. ટોની સીવેલને આડે હાથે લીધા હતા. તેમણે  અગાઉ રોયલ્સને વ્હાઇટ સુપ્રિમસીસ્ટ ઓર્ગેનાઇઝશન ગણાવ્યું હતું. ડો. ગોપાલે તેને ‘વ્હાઇટનેસમાં રોકાણ કરેલી સંસ્થા’ ગણાવી હતી જ્યાં ગોરાઓનું વર્ચસ્વ છે. રાજાશાહી ઉંડે સુધી સામ્રાજ્યના પ્રોજેક્ટમાં ફસાયેલી છે.’’

પ્રોફેસરે એવો દાવો પણ કર્યો હતો કે ‘રાજાશાહી હળવી ચામડીવાળી સુંદર સ્ત્રીને પણ સંભાળી શકતી નહોતી. તે એક રાજકુમારની પત્ની હતી … અને મીડિયા દ્વારા તેને આ દેશની બહાર કરવામાં આવી હતી.’