2014 થી 2016 સુધીના બે વર્ષમાં ગુપ્ત વૉટ્સએપ જૂથમાં “અપમાનજનક” સંદેશાઓ અને ચિત્રો શેર કરવા બદલ દસ ડોકટરો સામે ડિસીપ્લીનરી ટ્રિબ્યુનલમાં પગલા ભરવા કેસ ચાલી રહ્યો છે.

પોલીસ તપાસમાં સંદેશાઓનો પર્દાફાશ થયા પછી, વૉટ્સએપ જૂથના સભ્યોને હેલ્થ એજ્યુકેશન ઇંગ્લેન્ડને રિફર કરવામાં આવ્યા છે, જેણે જનરલ મેડિકલ કાઉન્સિલને (જીએમસી)ને ઔપચારિક જાણ કરી છે. આ સંદેશાઓમાં તબીબી વ્યવસાયને બદનામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સંદેશાઓને જાહેર કરવામાં આવ્યા નથી.

આ દસ ડૉક્ટરો બધા પુરુષો હોવાનું માનવામાં આવે છે અને તેમણે બધાએ આ જૂથનો ભાગ હોવાનું અને સંદેશા મોકલ્યા હોવાનું અથવા પ્રાપ્ત કર્યાનું સ્વીકાર્યું હતું. બે ડૉક્ટરોએ સ્વીકાર્યું હતું કે તેઓ “પ્રામાણિકતા સાથે દર્દીઓનો તેમના પરનો વિશ્વાસ અને વ્યવસાયમાં લોકોના વિશ્વાસનું પાલન કરવામાં નિષ્ફળ ગયા છે.” ચાર ડોક્ટર્સે જીએમસીને આ ગૃપની જાણ કરવામાં નિષ્ફળ નિવડ્યા હોવાની કબુલાત કરી હતી. જો કે તમામ દસ ડોક્ટર્સે તેમની પ્રેક્ટિસ કરવામાં તેઓ અનફીટ રહ્યા હોવાનો ઇન્કાર કર્યો હતો.

આ કેસ મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસને મોકલવામાં આવ્યો છે, જે શિસ્તના કેસોનો નિર્ણય લે છે અને મેડિકલ રજીસ્ટરમાંથી તેમને દૂર કરવાની અથવા તેમને સસ્પેન્ડ કરવાની સત્તા ધરાવે છે. ડોક્ટરોએ હાઈકોર્ટને અપીલ કરી હતી કે તેમની ઓળખ જાહેર કરતા અટકાવે. આ તમામ ડોકટર્સ લંડન અને સાઉથ ઇસ્ટમાં જી.પી. સહિતની સેવા આપે છે.