ડોલર સામે રૂપિયામાં તેજી જોવા મળી છે. શુક્રવારના વેપારમાં ડોલર સામે રૂપિયો 40 પૈસા મજબૂત થયો હતો, જે છેલ્લા ત્રણ મહિનામાં એક સત્રમાં નોંધાયેલો સૌથી તીવ્ર વધારો છે. શુક્રવારના કારોબારમાં રૂપિયો 40 પૈસા સુધરીને 74.66 પર બંધ રહ્યો હતો, જે બે સપ્તાહથી વધુ સમયની રૂપિયોની સર્વોચ્ચ સપાટી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, રશિયા અને યુક્રેનની તંગદિલી દૂર થવાની ધારણાની સાથે સાથે ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈથી રૂપિયાને ટેકો મળ્યો હતો. રશિયા અને યુક્રેન આ ક્ષેત્રમાં તણાવ ઘટાડવા માટે ચર્ચા કરવા માટે સહમત થયા છે તેવા માહોલમાં સ્થાનિક ચલણને રાહત મળી છે.
ફોરેક્સ માર્કેટમાં, ભારતીય ચલણ ડોલર સામે 75.03 પર ખુલ્યું હતું અને ટ્રેડિંગ દરમિયાન 74.60ની એક દિવસની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે ટ્રેડિંગ દરમિયાન રૂપિયો 75.05 ની નીચી સપાટીએ નોંધાયો હતો. ટ્રેડિંગના અંતે, રૂપિયો અગાઉના 75.06 ના બંધ કરતાં 40 પૈસા અથવા 0.53 ટકાનો વધારો નોંધાવીને 74.66 પર બંધ થયો હતો. ગુરુવારે રૂપિયો 75.11 પર બંધ થયો હતો, પરંતુ પાછળથી 75.06 પર સ્થિર થયો હતો. સપ્તાહ દરમિયાન અમેરિકી ચલણ સામે રૂપિયો 70 પૈસા મજબૂત થયો છે.