WMP

વુલ્વરહેમ્પટનના પેન સ્થિત રુકરી લેન ખાતે રહેતા 38 વર્ષના સરબજિત કૌરની ગળુ દબાવીને હત્યા કરવા બદલ તેમના પતિ અને વુલ્વરહેમ્પ્ટનના 45 વર્ષીય બિઝનેસમેન ગુરપ્રીત સિંહને બર્મિંગહામ ક્રાઉન કોર્ટ દ્વારા ઓછામાં ઓછી 19 વર્ષની જેલની સજા કરી છે. તા. 16 ફેબ્રુઆરી, 2018ના રોજ બનેલા બનાવ અંગે બર્મિંગહામ ક્રાઉન કોર્ટની જ્યુરીઝે ગુરૂપ્રીત સિંહને આ અગાઉ દોષીત ઠેરવ્યો હતો.

બનાવના દિવસે સિંઘે પોતાના ઘરે પોલીસ બોલાવતા જણાવ્યું હતું કે તેની 38 વર્ષની પત્ની ઘરમાં બેભાન અવસ્થામાં મળી છે. પોસ્ટમોર્ટમની તપાસમાં તેણીનું શ્વાસ રૂંધાવાના કારણે મરણ થયું હોવાનું જણાયું હતું. સિંઘ તેને આઘાત લાગ્યો હોય અને ભયભીત થઇ ગયો હોય તેવા સંકેતો બતાવી રહ્યો હતો. શરૂઆતમાં એવું લાગતું હતું કે જાણે તેમના ઘરે ચોરી કરવામાં આવી હતી અને તેની પત્નીના ચહેરા અને શરીર પર મરચાના પાઉડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પોલીસ માને છે કે તેનો ઉપયોગ સરબજીતને અસમર્થ બનાવવા અથવા તેના પર હુમલો કરાયો હતો તેવી છાપ પાડવા માટે કરવામાં આવ્યો હતો. સિંઘે બનાવ વખતે તેના બાળકોને પણ ઘરમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી અને તેમની ઓરમાન માતા સરબજીતને મૃત હાલતનાં પડેલી જોઇ હતી.

વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના સુપ્રિન્ટેન્ડન્ટ ક્રિસ મેલેટે જણાવ્યું હતું કે, “સરબજિતની હત્યા શા માટે કરવામાં આવી તે અસ્પષ્ટ છે, પરંતુ હત્યારો સિંઘ સ્પષ્ટપણે નિર્દય અને ગણતરીબાજ માણસ હોવાનુ જણાયું છે. તેણે આ હત્યા બદલ કોઈ પસ્તાવો દર્શાવ્યો નથી અને તેની સામે ભારે પુરાવા હોવા છતાં તેણે પોતાની સંડોવણી હોવાનો ઇનકાર કરવાનું ચાલુ રાખ્યું હતું.”

શ્રી મેલેટે બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે ‘’સિંઘ તેના ચહેરા પર એક સફળ સ્થાનિક બિઝનેસમેન હોવાની છાપ લઇને ફરતો હતો તેના ભાઇ સાથે તે એક બાંધકામ-કોંક્રીટની કંપની ધરાવે છે અને એકદમ સમૃદ્ધ વિસ્તારમાં રહે છે. તે એક સામાન્ય અને સુખી કુટુંબ હતું. તેમની વચ્ચે ઘરેલું દુર્વ્યવહારનો અગાઉનો કોઈ ઇતિહાસ નથી. સિંઘે સરબજીતની હત્યાની ગોઠવણ કરવા અને તેની સંડોવણીને છુપાવવા ખૂબ જ પ્રયાસો કર્યા હતા. તેને ઘરના સીસીટીવીને દૂર કરવા માટે સમય કાઢ્યો હતો. તેણે હંમેશાં એવું બતાવ્યું હતું કે સીસીટીવી યોગ્ય રીતે કામ કરતું ન હતું તેથી તે હટાવવામાં આવ્યું હતું અને તેણે ડીવીઆર બૉક્સ ફેંકી દીધું હતું. પરંતુ આ બધુ હત્યાના બહુ દિવસો પહેલા કરવામાં આવ્યુ ન હતું. જોકે પોલીસને આસપાસની મિલકતના રેકોર્ડિંગ મળ્યા હતાં.’’

બનાવના દિવસે એક બીજી વ્યક્તિ (મોટે ભાગે મહિલા) સવારે લગભગ 8.15 વાગ્યે ઘરમાં ઘુસતી જણાઇ હતી. ત્યારબાદ સિંઘ 9 વાગ્યાની આસપાસ તેની કારનું બૂટ ખોલતો, પાછો ઘરમાં જતો અને પાછો કારમાં બેસી કામ પર નીકળી જતો દેખાયો હતો. તેની ચાર મિનિટ પછી એટલે કે તે ઘરમાં ઘુસ્યાના લગભગ 50 મિનિટ પછી ઘરની બહાર નીકળી ઘરથી દૂર જતી જોવા મળી હતી. આ વ્યક્તિને શોધી કાઢવા માટે વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ આજની તારીખમાં તેની ઓળખ થઈ નથી. બની શકે છે કે તેણે સરબજીતની હત્યામાં મદદ કરવા માટે વ્યવસ્થા કરી હતી. સિંઘે આ મુલાકાતીનો ઉલ્લેખ ક્યારેય કર્યો ન હોવાથી તપાસને નિર્ણાયક વળાંક મળ્યો હતો. જો કે તેણે તે મહિલા તેની પત્ની હતી તેમ જણાવ્યું હતું.

શ્રી મેલેટે કહ્યું હતું કે “પોલીસ પાસે તે વ્યક્તિ વિશે એટલી ઓછી માહિતી છે કે અધિકારીઓ તે મહિલા છે કે પુરૂષ તેની પણ ખાતરી કરી શકતા નથી – માનવામાં આવે છે કે તે 5 ફૂટ 2 ઇંચની ઉંચાઇ ધરાવતી હોવાથી તે એક મહિલા છે. આ એક જટિલ તપાસ રહી હતી અને સિંઘનો હેતુ એક રહસ્ય રહેશે.”

સિંઘે ઘરમાં ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું પણ ઘરમાં બળજબરીથી પ્રવેશના કોઈ પુરાવા મળ્યા ન હતા. ઘરનો ઇલેક્ટ્રોનિક દરવાજો પણ ફક્ત કી પેડ પરના કોડથી અથવા કી ફોબથી જ ખોલી શકાતો હતો. વળી ઘરમાં પડેલા કિંમતી દાગીના અને ચીજવસ્તુઓ પણ ચોરાયા ન હતા. જેના કારણે પોલીસને સિંઘ પર વધુ શંકા ગઇ હતી.

સિંઘને બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં સજા સંભળાવતા જજ સાયમન ડ્રુએ કહ્યું હતું કે, “તમારી પત્નીની હત્યા બદલ તમને દોષી ઠેરવવામાં આવ્યા છે. એક આયોજિત હુમલાના પરિણામે તેણીનું મોત નીપજ્યું હતું. હું તદ્દન સંતુષ્ટ છું કે તમે તે માટે લીડ લીધી હતી. તેણીનું ગળું દબાવતા તેણીએ સંઘર્ષ કર્યો હતો. પણ પછી તમે ઘરમાં બધુ વેરવિખેર કરીને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો અને આખો દિવસ કામ ધંધો કરવાનો અને ઘરે આવ્યા પછી તમે સરબજીતને મરેલી જોઇ દુ:ખી થયા હોવાનો ઢોંગ કર્યો હતો – તે શરમજનક હતું.”

શ્રી મેલેટે જણાવ્યું હતું કે, ‘’ગુરપ્રીતની પહેલી પત્ની અમનદીપ કૌરનું ચાર વર્ષ પહેલા મગજમાં હેમરેજ થવાના કારણે ભારતમાં અવસાન થયું હતું. તે વખતે પણ ગુરપ્રીત પર પત્નીના મૃત્યુની ગોઠવણ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવાયો હતો. પણ બાદમાં તે નિર્દોષ છૂટી ગયો હતો.’’

ઘરે રહીને દરજીકામ કરતી સરબજીતની ભત્રીજી જાસ્મિને, તેના પરિવાર તરફથી જણાવ્યું હતું કે “અમારા સૌ માટે આ ખૂબજ દુ:ખદાયક છે. સરબજીતનું મૃત્યુ એટલું અચાનક, અનપેક્ષિત અને હિંસક હતું કે તેનાથી આખા કુટુંબની આજુબાજુની દુનિયાની સલામતી, નિયંત્રણ અને વિશ્વાસ પરની ભાવના હચમચી ઉઠી હતી.”

WMP