ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ઓગસ્ટ 2021ના રોજ નવી દિલ્હીમાંથી વિડિયો કોન્ફરન્સ મારફત ગુજરકાતમાં ઇન્વેસ્ટર સમીટમાં વ્હિકલ સ્ક્રેપેજ પોલિસીની જાહેરાત કરી હતી. (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી વોલંટરી વ્હિકલ ફ્લીટ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ અથવા વ્હિકલ સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરી હતી. ગુજરાત સરકારે વ્હિકલ સ્ક્રેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં રોકાણકારોને આકર્ષવા માટે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઇન્વેસ્ટર સમીટનું આયોજન કર્યું હતું અને કંપનીઓ સાથે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.

વડાપ્રધાને જણાવ્યું હતું કે આ નવી પોલિસીથી આશરે રૂા.10,000 કરોડનું રોકાણ આવશે. ગુજરાતનું અલંગ વ્હિકલ સ્ક્રેપિંગ માટેનું હબ બનશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપરાંત કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ નવી દિલ્હી ખાતેથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાઈને નવી સ્ક્રેપિંગ પોલિસીના જાહેરાત કરી હતી તથા તેનાથી થનારા ફાયદાઓને ગણાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે નવી સ્ક્રેપેજ પોલિસી, વેસ્ટ ટુ વેલ્થ- કચરામાંથી કંચનના અભિયાનની સર્ક્યુલર ઈકોનોમીની એક મહત્વપૂર્ણ ચેઈન છે. આ પોલિસી દેશના શહેરોમાં પ્રદૂષણ ઓછું કરવા અને પર્યાવરણની સુરક્ષા સાથે ઝડપથી વિકાસના આપણી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

આ પોલિસીના લાભ ગણાવતા તેમણે જણાવ્યું હતું કે સૌથી પહેલો લાભ એ હશે કે જૂની ગાડીને સ્ક્રેપ કરવા પર એક સર્ટિફિકેટ મળશે. આ સર્ટિફિકેટ જેની પાસે હશે તેને નવી ગાડીની ખરીદી પર રજિસ્ટ્રેશન માટે કોઈ ચાર્જ નહીં આપવો પડે. આ સાથે તેને રોડ ટેક્સમાં પણ કેટલીક છૂટ અપાશે.

બીજો લાભ એ હશે કે જૂની ગાડીના મેઈન્ટેનન્સ ખર્ચ, રિપેરિંગ ખર્ચ, ઈંધણનો વપરાશ તેમાં પણ બચત થશે. ત્રીજો લાભ એ છે જૂની ગાડીઓમાં જૂની ટેકનોલોજીના કારણે રોડ અકસ્માતનો ખતરો વધારે રહે છે. જેનાથી પણ મુક્તિ મળશે. ચોથો લાભ એ છે કે તેનાથી આપણા સ્વાસ્થ્ય પર પ્રદૂષણના કારણે જે અસર પડે છે, તેમાં ઘટાડો આવશે.