Rahul Gandhi
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ફાઇલ ફોટો (Photo by Atul Loke/Getty Images)

માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટરે કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ અને પાર્ટી નેતાઓના 5,000થી વધારે એકાઉન્ટ બ્લોક કરી દીધા હોવાનો કોંગ્રેસે ગુરુવારે દાવો કર્યો હતો. ગયા સપ્તાહે બળાત્કાર પીડિત યુવતીના પરિવારનો ફોટોગ્રાફ પોસ્ટ કરવા બદલ ટ્વીટરે આ કાર્યવાહી કરી હતી. આ ફોટોગ્રાફથી રેપ પીડિતાની ઓળખ જાહેર થઈ ગઈ હતી. ટ્વીટરે પહેલા રાહુલ ગાંધીનું એકાઉન્ટ લોક કર્યું હતું. આ પછી કોંગ્રેસનું એકાઉન્ટ લોક કરવામાં આવ્યું હતું. આ પછી કોંગ્રેસના અનેક નેતાના એકાઉન્ટ્સ બ્લોક કરી દેવામાં આવ્યા હતા.

કોંગ્રેસના જણાવ્યા અનુસાર કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલા, કે.સી. વેણુગોપાલ, અજય માકણ, લોકસભામાં પાર્ટીના વ્હિપ મનિકમ ટાગોર એવા નામ છે જેમના એકાઉન્ટને ટ્વીટરે લોક કરી દીધા છે. આ તમામ નેતાઓ પર નિયમોનું પાલન કરવાની ગરબડનો આરોપ છે. ટ્વિટરે આ કારણે આ કાર્યવાહી કરી છે.

કોંગ્રેસે ટ્વીટરને પત્ર લખીને આ વિવાદનો ઝડપથી ઉકેલ લાવવાની રજૂઆત કરી હતી. ટ્વીટર આ કાર્યવાહી પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ટ્વીટર બંને પર પ્રહાર કર્યા હતો. રાહુલે શુક્રવારે કહ્યું હતું કે ટ્વીટરની કાર્યવાહી દર્શાવે છે કે તે એક તટસ્થ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ નથી. તેઓ સરકારના દબાવમાં કામ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કરતા કહ્યું કે, “અમને સંસદમાં બોલવાની પરવાનગી નથી આપવામાં આવતી અને મીડિયા પર પણ નિયંત્રણ છે. હવે અમારી પાસે એક માત્ર આ જ આશાનું કિરણ હતું, પરંતુ એવું લાગી રહ્યું છે કે આ પ્લેટફોર્મ પણ તટસ્થ નથી.”

રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ફક્ત રાહુલ ગાંધી પર હુમલો નથી, પરંતુ આખી લોકશાહી વ્યવસ્થા પર હુમલો છે. કોંગ્રેસ સાંસદે કહ્યું કે, રાજકીય અસર પણ થશે, આ લોકશાહી વ્યવસ્થા પર હુમલો છે. ટ્વિટર આપણી લોકશાહી વ્યવસ્થામાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. એક કંપની આપણી રાજનીતિને વ્યાખ્યાયિત કરવા માટે બિઝનેસ કરી રહી છે. તેમણે કહ્યું કે, મારા 2 કરોડ ફોલોઅર્સ છે, મારા એકાઉન્ટને લોક કરીને તેમના વિચારની અભિવ્યક્તિના અધિકારને કચેડવામાં આવી રહ્યો છે.