Getty Images)

શ્રીલંકાની ક્રિકેટ ટીમે 2011ની વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધાની ફાઈનલમાં ભારતને જીતવા દેવા માટે ફિક્સિંગ કર્યાના આરોપો પછી તે વિષે તપાસ શરૂ કર્યા પછી મેચ ફિક્સિંગના કોઈ પુરાવા નહીં મળ્યાનું જણાવી ક્રિમિનલ ઈન્વેસ્ટીગેશન પડતું મુક્યાનું ગયા સપ્તાહે (03 જુલાઈ) જણાવ્યું હતું.

ગયા સપ્તાહે જ તપાસના એક ભાગરૂપે ભૂતપૂર્વ ચીફ સીલેકટર અરવિંદ ડી’ સિલ્વા, તે વખતની ટીમના સુકાની કુમાર સંગકારા તથા ઓપનિંગ બેટ્સમેન ઉપુલ થરંગાની પોલીસે પૂછપરછ કરી હતી. મુંબઈમાં રમાયેલી એ મેચ માટે ટીમમાં ચાર ફેરફારો કરાયા હતા અને તેના કારણે કઈંક રંધાયું હોવાની આશંકાઓ અંગે ટોચના એક પોલીસ અધિકારીએ ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, ટીમમાં કરાયેલા ફેરફારો અંગે સંબંધિત સૌએ ગળે ઉતરે તેવા કારણો આપ્યા હતા.

અમને કઈં ખોટું થયાના પુરાવા મળ્યા નથી અને હવે તપાસ બંધ કરી દેવાઈ છે. એ વખતની ટીમના વાઈસ કેપ્ટન મહેલા જયવર્દનેએ પણ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન યુનિટને પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું હતું. આ તપાસના કારણે પ્રેસિડેન્ટ ગોટાબાયા રાજપક્ષેની સરકાર સામે સોશિયલ મીડિયામાં ભારે આક્રોશ ઠલવાયો છે.

તે વખતની સરકારના રમત ગમત ખાતાના મિનિસ્ટર અને હાલની સરકારમાં પણ મિનિસ્ટર મહિન્દાનંદા અલુથગામગેએ તાજેતરમાં એવા આક્ષેપો કર્યા હતા કે તે ફાઈનલ શ્રીલંકન ટીમે ઈરાદાપૂર્વક ગુમાવી હતી અને તેના પગલે આ તપાસના આદેશો અપાયા હતા.

તો નવેમ્બર મહિનામાં જ ક્રિકેટની રમતમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદાનો અમલ કરાવ્યો હતો, તેમણે તો ખોટા આક્ષેપો કરવા બદલ અલુથગામગે સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. શ્રીલંકામાં પણ લોકોમાં ક્રિકેટ પ્રત્યે ઘેલછાની હદે પ્રેમ છે અને ક્રિકેટ પ્રેમીઓએ પણ વિતેલા વર્ષોના લોકલાડિલા ક્રિકેટર્સ સામે ખોટા આક્ષેપો કરવા બદલ અલુથગામગેની આકરી ટીકા કરી હતી.

શ્રીલંકાના નવા કાયદાની જોગવાઈઓ મુજબ મેચ ફિક્સિંગ ફોજદારી ગુનો (ક્રિમિનલ ઓફેન્સ) બને છે અને આ કાયદા હેઠળ અપરાધી સાબિત થનારાઓને રૂ. 10 કરોડ (100 મિલિયન) સુધીનો દંડ તેમજ 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.