Getty Images)

કોરોનાવાઈરસના રોગચાળાના જોખમ વચ્ચે પણ સપ્ટેમ્બરમાં રમાનારી ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધામાં દરરોજ 20,000 સુધીની સંખ્યામાં પ્રેક્ષકોને સ્ટેડિયમમાં મેચ જોવા માટે પ્રવેશ અપાશે એમ ફ્રેન્ચ ટેનિસ ફેડરેશને ગયા સપ્તાહે જાહેરાત કરી હતી. જો કે ફાઈનલ મેચ માટેની સંખ્યા 10,000 સુધીની રહેવાની ધારણા છે.

ફેડરેશને એવું પણ જણાવ્યું હતું કે, ફ્રાન્સમાં ત્યાં સુધીમાં કોરોનાવાઈરસના રોગચાળાની સ્થિતિમાં સુધારો થશે તો સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. આ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા 27 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 11મી ઓક્ટોબરે પુરી થશે. હાલની સ્થિતિ મુજબ સ્ટેડિયમમાં પ્રેક્ષકોની સંખ્યા ક્ષમતાના 50 થી 60 ટકા સુધીની રાખવામાં આવી છે.

જો કે, રોગચાળાની સ્થિતિ ગંભીર બને તો સંખ્યામાં કાપ પણ મુકી શકાય છે એવી ચેતવણી ફેડરેશને આપી છે. પ્રેક્ષકો માટે ટિકિટના વેચાણની શરૂઆત આગામી તા. 16મીથી થશે. ફ્રેન્ચ ઓપન સામાન્ય રીતે મે મહિનાના અંતમાં અને જુનમાં રમાય છે.

કોરોનાવાઈરસના રોગચાળાના કારણે આ વર્ષે યુકેમાં વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધા રદ કરાઈ હતી, તો વર્ષની છેલ્લી સ્પર્ધા તરીકે રમાતી યુએસ ઓપન 24મી ઓગસ્ટથી શરૂ થવાની છે, પણ તે પ્રેક્ષકોની હાજરી વિના જ, બંધ બારણે રમાશે.