Don Mueang

શ્રીલંકાના પ્રેસિડન્ટ ગોતાબાયા રાજપક્ષે ફુગાવાને અંકુશમાં લેવા માટે મંગળવારે આર્થિક કટોકટીની જાહેરાત કરી હતી. શ્રીલંકાના ચલણમાં ભારે ધોવાણને કારણે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ આભને આંબી રહ્યા છે અને ફોરેક્સ રિઝર્વની કટોકટી ઊભી થઈ છે. શ્રીલંકાના રૂપિયામાં આ વર્ષે ડોલર સામે આશરે 7.5 ટકા ધોવાણ થયું છે.
ખાનગી બેંકો પાસે આયાત માટે વિદેશી હૂંડિયામણની અછત છે. ગોતાબાયા રાજપક્ષેએ કહ્યું હતું કે તેમણે ખાંડ, ચોખા અને અન્ય જરૂરી ખાદ્ય ચીજોની સંગ્રહખોરી રોકવા માટે પગલાં લીધા છે. કટોકટીના નિયમો અને કાયદાનો અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રાજપક્ષેએ ભૂતપૂર્વ આર્મી જનરલને ધાન્ય, ચોખા, ખાંડ અને અન્ય ઉપભોક્તા સામાનના પુરવઠા માટે આવશ્યક સેવાઓના કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ વેપારીઓ અને રિટેલર્સ પાસેથી ફૂડ સ્ટોકને જપ્ત કરી શકશે. કટોકટીનુ એલાન ખાંડ, ચોખા, ડુંગળી અને બટાકાની કિંમતોમાં ઝડપી વૃદ્ધિ બાદ કરાયુ છે જ્યારે દૂધ પાવડર, કેરોસીન અને રસોઈ ગેસની અછતના કારણે દુકાનોની બહાર લાંબી લાઈન લાગેલી છે.

શ્રીલંકા સરકારે ખાદ્ય પદાર્થોની સંગ્રહખોરીને રોકવા માટે ભારે દંડની જોગવાઈ કરી છે. આ સંકટ ત્યારે સામે આવ્યુ છે જ્યારે 2.1 કરોડની વસતીવાળા દેશ કોરોના વાયરસની મોટી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. શ્રીલંકામાં એક દિવસમાં 200થી વધારે લોકોના કોરોનાની ચપેટમાં આવવાથી મોત થઈ રહ્યા છે.

બે સપ્તાહ પહેલા શ્રીલંકાની સેન્ટ્રલ બેન્કે સ્થાનિક ચલણને મજબૂત કરવા વ્યાજદરમાં વધારો કર્યો હતો. બેંકના આંકડા દર્શાવે છે કે શ્રીલંકાની વિદેશી ભંડાર જુલાઈના અંતે ઘટીને 2.8 બિલિયન ડોલર થઈ ગઈ છે, જે નવેમ્બર 2019 માં 7.5 અબજ બિલિયન હતી. જ્યારે સરકારે સત્તા લીધી અને શ્રીલંકન ચલણ તે સમયે યુએસ ડોલર સામે તેના મૂલ્યના 20 ટકાથી વધુ ગુમાવ્યું હતું.