Action Images via Reuters/Peter Cziborra

ઈંગ્લેન્ડના સુકાની સ્ટોક્સે બેઝ બોલ શૈલીથી આક્રમક બેટિંગ કરી 9 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે 214 બોલમાં 155 રનની લડાયક ઈનિંગ રમ્યા છતાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો 43 રને પરાજય થયો હતો. હેઝલવૂડે ડકેટ (83) અને સ્ટોક્સ (155) પછી બ્રોડ (11)ની વિકેટ ખેરવી બાજી પલ્ટી નાંખી હતી અને નાટકીય વિજય સાથે ઓસ્ટ્રેલિયાએ એશિઝ જંગમાં 2-0ની સરસાઈ મેળવી લીધી હતી. વિજય માટેના 371ના ટાર્ગેટ સામે ઈંગ્લેન્ડ બીજી ઈનિંગમાં 327 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતુ.

ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતાં પ્રથમ ઈનિંગમાં સ્ટીવન સ્મિથની સદી (110) સાથે 416 રન કર્યા હતા. વોર્નરે 66 અને લબુશેને 47 રનનો ફાળો આપ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી રોબિન્સન અને ટંગે 3-3 વિકેટ લીધી હતી. જવાબમાં ઈંગ્લેન્ડ 325 રનમાં ઓલઆઉટ થયું હતું. ડકેટ કમનસીબે ફક્ત બે રનથી સદી ચૂકી ગયો હતો, તો બ્રુકે 50 અને ક્રોલીએ 48 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ સાત બોલર અજમાવ્યા હતા અને સ્ટાર્કે 3 તથા હેઝલવુડ અને ટ્રેવિસ હેડે 2-2 વિકેટ લીધી હતી. આ રીતે, ઓસ્ટ્રેલિયાને 91 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા ફક્ત 279 રન કરી શક્યું હતું, જેમાં ઉસ્માન ખ્વાજાના 77 રન મુખ્ય હતા. ઈંગ્લેન્ડ તરફથી સ્ટુઅર્ટ બ્રોડે 4 અને ટંગ તથા રોબિન્સને 2-2 વિકેટ લીધી હતી. 

આ રીતે, 371 રનના ટાર્ગેટ પછી ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં લડાયક બેટિંગ કરી વિજયનો જોરદાવ પ્રયાસ કર્યો હતો. ડકેટે ફરી 83 રનનો મહત્ત્વનો ફાળો આપ્યો હતો, તો સુકાની બેન સ્ટોક્સે આક્રમક 155 કર્યા હતા. સ્ટોક્સ આઉટ થયો ત્યાં સુધી તો ટીમનો વિજય સંભવ જણાતો હતો. પણ એક તબક્કે 6 વિકેટે 301 રનના સ્કોર સાથે ટીમ મજબૂત સ્થિતિમાં હતી ત્યારે સ્ટોક્સની વિકેટ લઈ હેઝલવુડે ઓસ્ટ્રેલિયા માટે વિજયનો માર્ગ મોકળો કર્યો હતો. એ પછી બાકીની ત્રણ વિકેટ માત્ર 26 રન ઉમેરી શકી હતી અને 327 રને યજમાન ટીમ ઓલઆઉટ થઈ જતાં ઓસ્ટ્રેલિયાએ ફરી રોમાંચક જંગમાં 43 રને વિજય મેળવ્યો હતો. સ્ટાર્ક, કમિન્સ અને હેઝલવુડે 3-3 વિકેટ લીધી હતી. પહેલી ઈનિંગની મહત્ત્વની સદી બદલ સ્મિથને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. 

LEAVE A REPLY

2 + seventeen =