સુપ્રીમ કોર્ટે દિલ્હીના શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ધરણા પર બેઠેલા લોકોને હટાવવાની અરજી પર જણાવ્યું કે હાલમાં આ અંગે સુનાવણી કરવાનો યોગ્ય સમય નથી. કોર્ટે વચગાળાનો આદેશ જાહેર કર્યા વગર આગામી સુનાવણી 23 માર્ચ પર નક્કી કરી છે.
કોર્ટે દિલ્હીમાં થયેલી હિંસા પર પોલીસને ઠપકો આપતા સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવા ફટકાર લગાવી છે અને બ્રિટિશ તેમજ અમેરિકામાં પોલીસનું ઉદાહરણ ટાંક્યું હતું. શાહીનબાગમાં છેલ્લા બે માસથી વધુ સમયથી લોકો રસ્તા વચ્ચે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનને લીધે એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવા માટે રસ્તો બંધ થઈ ગયો છે અને સુપ્રીમ કોર્ટ આ કેસમાં સુનાવણી કરી રહી છે.
જસ્ટિસ એસ કે કૌલ અને જસ્ટિસ કે એમ જોસેફની બેન્ચે સ્પષ્ટ જણાવ્યું કે શાહીનબાગ વિરોધ પ્રદર્શન પર વધુ અરજીઓની સુનાવણી નહીં કરે. આ ઉપરાંત દિલ્હી હિંસાને લગતી અરજીઓ પર પણ સુનાવણી નહીં કરવા જણાવ્યું હતું. સોલિસિટર નજરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, દિલ્હી હાઈકોર્ટ હિંસાની અરજીઓ પર સુનાવણી કરી રહી છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે દિલ્હી હિંસાને લગતી અરજીઓ ફગાવી હતી.
દિલ્હીના ઉત્તર-પૂર્વમાં હિંસા ફેલાઈ તે પૂર્વે ઉશ્કેરણીજનક નિવેદન કરનારા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી નહીં કરવા બદલ સુપ્રીમે દિલ્હી પોલીસનો ઉધડો લીધો હતો. સુપ્રીમ કોર્ટે પોલીસ શા માટે પ્રોફેશનલ રીતે કામ નથી કરી રહી તે અંગે કેન્દ્રને પણ સવાલ પૂછ્યો હતો. દિલ્હીમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ફેલાયેલી હિંસામાં કુલ મૃત્યુઆંક 20 થયો છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કે એમ જોસેફે જણાવ્યું કે પોલીસે ક્ષમતા સાથે કામગીરી નથી કરી. પોલીસે સમયસર કાર્યવાહી કરી હોત તો આ સ્થિતિ નિર્માણ પામત નહીં. કાયદા મુજબ જો કામ કરવામાં આવ્યું હોત તો સ્થિતિ થાળે પડી શકત. કોર્ટે આ માટે યુકે તેમજ યુએસ પોલીસનું ઉદાહરણ ટાંક્યું હતું. કોર્ટે જણાવ્યું કે યુકે અને યુએસની પોલીસને કોઈની મંજૂરી લેવી પડતી નથી. જો કોઈ ઉશ્કેરણીજનક નિવેદનો કરે છે તો પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.