ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસે રવિવારે પણ ભારતીય ટીમના ખેલાડીઓ રંગભેદી ટિપ્પણીઓનો શિકાર બન્યા હતા. પોલીસે કેટલાંક પ્રેક્ષકોને સ્ટેડિયમમાંથી બહાર કાઢ્યા હતા. (AAP Image/Dean Lewins via REUTERS )

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસે રવિવારે પણ ભારતીય ટીમના ખેલાડીઓ રંગભેદી ટિપ્પણીઓનો શિકાર બન્યા હતા અને વિવાદ ઊભો થયો હતો. બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ ભરી રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પર કેટલાક દર્શકોએ રંગભેદી કોમેન્ટ કરવાનુ ચાલુ રાખ્યા બાદ સિરાજે અમ્પાયરને ફરિયાદ કરી હતી. તેનાથી થોડા સમય માટે મેચ અટકાવવી પડી હતી.

આ ફરિયાદની થોડી મિનિટોમાં પોલીસ મેદાનમાં પહોંચી હતી અને 6 દર્શકોને મેદાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.આ દરમિયાન મેચ 10 મિનિટ સુધી બંધ રાખવી પડી હતી.

ઘટના માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ભારતીય ટીમની માફી માંગી હતી અને જણાવ્યું હતું કે આ મુદ્દે જવાબદાર લોકો સામે ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે.તપાસ પૂરી થયા બાદ દોષીતો પર ગ્રાઉન્ડમાં પ્રવેશવા પર પ્રતિબંધ પણ મુકવામાં આવી શકે છે. અમે ભારતીય ક્રિકેટ ટીમના મિત્રોની માફી માંગીએ છે.

આ પહેલા ટેસ્ટ મેચના બીજા દિવસે એટલે કે શનિવારે પણ દર્શકો ગંદી ગાળો સાથે રંગભેદી કોમેન્ટ કરી રહ્યા હોવાની ફરિયાદ બુમરાહ અને સિરાજે કરી હતી.જેના પગલે ભારતીય ટીમ મેનેજમેન્ટે રેફરી સમક્ષ ફરિયાદ પણ નોંધાવી હતી. બુમરાહ અને સિરાજ જ્યારે ફિલ્ડિંગ કરી રહ્યા હતા ત્યારે આ લોકોએ સતત તે બંનેને ગાળો આપી હતી. તેમણે બંને ભારતીય ખેલાડીને વાંદરા કહ્યા હતા અને માતા અંગે ગાળો આપી હતી. સુકાની અજિંક્ય રહાણેએ મેચ અધિકારીઓને આ વાતની જાણ કરી હતી અને બાદમાં ટીમ મેનેજમેન્ટ મેચ રેફરી ડેવિડ બૂન પાસે ગયા હતા અને ફરિયાદ દાખલ કરી હતી.