ટી-20 વર્લ્ડ કપ 2021નો કાર્યક્રમ સ્પષ્ટ થયો છે. આ ટૂર્નામેન્ચ ભારતમાં જ રમાશે. ત્યારબાદ 2022માં આ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં યોજાશે. આ મામલે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ના પ્રમુખ વચ્ચે શુક્રવારે આઈસીસીની બેઠક વેળાએ નિર્ણય લેવાયો હતો.

આ રીતે, 2021નો ટી-20 વર્લ્ડ કપ અને 2023 વન-ડે વર્લ્ડ કપ ભારતમાં યોજાશે. 2022નો ટી-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં યોજાશે. બીજી તરફ, આઇસીસીએ મહિલા વન-ડે વર્લ્ડ કપ 2021 રદ કર્યો છે. હવે આ ટૂર્નામેન્ટ 2022માં 6 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી ન્યૂઝીલેન્ડમાં યોજાશે.

ભારતમાં ટી-20 વર્લ્ડ કપ આગામી વર્ષ ઓક્ટોબર-નવેમ્બરમાં રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 14 નબેમ્બરે રમાશે. ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ 2022 પણ ઓક્ટોબર-નવેમ્બરમાં રમાશે, તેની ફાઇનલ 13 નવેમ્બરે રમાશે.
આ વર્ષે 18 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં આઇસીસી વર્લ્ડ ટી-20નું આયોજન કરવાનું હતું, પરંતુ કોવિડ-19 મહામારીના કારણે તે સ્થગિત કરવામાં આવ્યો હતો.

કોરોનાવાઈરસના રોગચાળાના કારણે આ વર્ષે સમગ્ર વિશ્વમાં ક્રિકેટ સહિત તમામ રમત સ્પર્ધાઓ અટકી ગઈ હતી, તેના કાર્યક્રમોમાં મોટો વિક્ષેપ ઉભો થયો હતો.ટી-20 વર્લ્ડ કપ નહીં યોજાવાનો નિર્ણય લેવાયો તેના પગલે હવે ભારતની આઈપીએલ આવતા મહિનાથી યુએઈમાં યોજાવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે.