પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડાની માગણી કરી રહેલા ટેસ્લાના સ્થાપક અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્કે ભારતમાં પડકારો ઘણા હોવાનું ટ્વીટ કરી સરકાર ઉપર દબાણ વધાર્યું હતું. જોકે, ભારત સરકાર એવું સ્પષ્ટ માને છે કે આવા દબાણમાં આવવાની જરૂર નથી. ભારતમાં ટેસ્લાએ વેચાણ કરવું હોય તો તે ગાડીઓના પાર્ટ્સ આયાત કરી શકે છે જેના ઉપર ડ્યુટી ઓછી છે અને અહી એક એસેમ્બલી પ્લાન્ટમાં આખી ગાડી બનાવી ભારતમાં વેચાણ કરી શકે છે. આ સ્થિતિમાં ટેસ્લાને આખી તૈયાર કાર કરતા એસેમ્બલ કરેલી ગાડીઓ વેચવી સસ્તી પડી શકે છે.

એક ટ્વિટર યૂઝરે મસ્કને પૂછ્યુ કે, શું દક્ષિણ એશિયાના દેશમાં ટેસ્લાના લોન્ચિંગ અંગે કોઇ અપડેટ નથી. તેના પ્રત્યુત્તરમાં મસ્કે ટ્વિટ કર્યુ કે, ‘હજી પણ ભારત સરકાર સાથે ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી બાબતો અંગે ઉકેલ લાવવાનો પ્રયત્ન કરાઇ રહ્યો છે. ભારતમાં ટેસ્લાની કાર લોન્ચ થવામાં હજી સમય લાગશે.’

ભારતમાં મૂડીરોકાણ કરતા પહેલા જ મસ્કે સરકાર પાસે ટેસ્લાની ઇલે. કાર પરની આયાત જકાતમાં ધરખમ ઘટાડો કરવા અને અન્ય સવલતો આપવા માંગણી કરી છે. ટેસ્લાની આ માંગણીનો ભારતીય કંપનીઓ દ્વારા વિરોધ કરાયો છે અને તેમનુ કહેવુ છે કે, આવુ કરવાથી સ્થાનિક એકમોને માઠી અસર થશે.

ટેસ્લાએ ભારતમાં પોતાની એક પેટા કંપનીની નોંધણી જુલાઈ ૨૦૨૧માં કરાવી છે અને તેમાં કેટલાક કર્મચારીઓની ભરતી પણ કરી છે. કંપનીની સાત જેટલી ગાડીઓ ભારતીય રોડ ઉપર ટેસ્ટીંગ માટે પણ ફરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં વિદેશમાંથી આયાત થતી ઇલેક્ટ્રિક કાર ઉપર ૧૦૦ ટકા જેટલી જકાત લાગે છે જે વિશ્વના તમામ દેશોમાં સૌથી ઉંચી છે, જેની સામે એલન મસ્કને વાંધો છે. ભારે આયાતને લીધે વિદેશી કંપનીઓને ભારતમાં તેમના ઇલે. વાહનો વેચવામાં મુશ્કેલી પડી રહી છે.