ટોકિયોમાં આયોજિત પેરાલિમ્પિકમાં ગુજરાતની ભાવિના પટેલે ભારત માટે પ્રથમ મેડલ નિશ્ચિત કર્યો છે. ભાવિનાએ ટેબલ ટેનિસની ક્લાસ ફોર ઈવેન્ટની ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ સર્જયો છે. હવે તેની પાસે ગોલ્ડ મેડલ જીતવાની અસામાન્ય તક છે. પેરાલિમ્પિકમાં ભારત પ્રથમવાર ટેબલ ટેનિસમાં ઓછામાં ઓછો સિલ્વર મેડલ જીતી રહ્યું છે. ભાવિનાની સફળતા જોઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને તેને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, ભાવિના પટેલ તમને અભિનંદન, આખા દેશને તમારા પર ગર્વ છે. આવતીકાલે રમાનારી ફાઈનલમાં અમે બધા તમને ચીયર કરીશું. તમારી સફળતાથી દેશને પ્રેરણા મળશે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે રમાયેલી સેમિફાઈનલમાં ભાવિનાએ ચીનની સ્પર્ધકને 3-2થી હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. 34 વર્ષીય ભાવિના કોઈ પણ દબાણ વગર રમી હતી અને તેણે કહ્યું હતું કે, હું ફાઈનલ જીતવા માટે તમામ પ્રયાસ કરીશ.
ફાઈનલમાં તેનો મુકાબલો ચીનની નંબર વન પ્રતિસ્પર્ધી સાથે થશે. વડનગરની વતની ભાવિનાએ પોતાની પ્રથમ જ ઓલિમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભાવિનાના પતિ નિકુલ પટેલે જણાવ્યું હતું કે, ભાવિનાની ઈચ્છા શક્તિ તેની સૌથી મોટી તાકાત છે.